અમદાવાદઃ વસ્ત્રાલથી શરૂ કરીને જશોદાનગર સુધીની હાલમાં ખારીકટ કેનાલની સ્થિતિ એકદમ ખરાબ છે. જેમાં કચરાના ઢગલા ખડકાયેલા છે તેમજ ગંદકીથી ખદબદતી આ કેનાલમાં નર્કાગાર જેવી સ્થિતિ છે.
આજુ-બાજુના ફેક્ટરીઓના કાળાપાણીની ગંદકી તેમજ દુર્ગંધ મારતા કેમિકલયુક્ત પાણી સાથે મચ્છરના ઉપદ્રવને લઈને આસપાસની સોસાયટીઓના રહીશો તેમજ સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે, થોડાક સમય પહેલાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેનાલમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં કચરો એકત્રીત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ કચરાના નિકાલ કરાયા પછી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જ અચાનક જ સફાળું જાગ્યું હોય તેમ, કેનાલમાં કચરો નાખનારાંને દંડ પણ કરવામાં આવ્યો હતો. આ દંડાત્મક પગલાંના કારણે કેનાલમાં ફરીથી કોઈ કચરો નાખી ન જાય તે માટે લાખો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. આટલું કરવા છતાં પણ સ્થાનિકોને કેનાલના પટ્ટામાં પસાર થતી આ કેનાલના કારણે રોગચાળો અને બીમારીઓ પણ સહન કરવાનો વારો આવ્યો છે.
સ્થાનિક રહીશોએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ તંત્રની પેટ્રોલિંગ અને સીસીટીવી કેમેરાની વોચ પદ્ધતિના કારણે થોડો સમય કેનાલ ચોખ્ખી રહેવા પામી હતી. પરંતુ ત્યારબાદ અમુક જગ્યાએ જ્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં નથી આવ્યા અને વળી તંત્ર દ્વારા કૂણું વલણ અપનાવવામાં આવતું હોવાના કારણે કેનાલમાં બેફામ રીતે કચરો ઠાલવી રહ્યા છે. જેના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો પણ ઉદભવ્યા છે.