અગાઉ કોર્ટે આપેલા ચુકાદામાં આ મુદ્દે ગુંજાશ બાકી રાખતા અશ્વિન રાઠોડ દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા નવા પુરાવા પર ચુંટણી અધિકારી ધવલ જાનીની ઉલટ તપાસની માગ કરતા કોર્ટે એસ.વી રાજુને ધવલ જાની ઉલટ તાપસમાં સહયોગ કરશે કે નહિ એ મુદ્દે લેખિતમાં એફિડેવિટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
અગાઉ હાઈકોર્ટે ચુંટણી અધિકારી ધવલ જાનીની માગને માન્ય રાખતા અરજદાર અને ધોળકા બેઠકથી કોગ્રેસી ઉમેદવાર અશ્વિન રાઠોડની ઉલટ તપાસ કરી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, પુનઃમતગણતરીની 2 વાર લેખિત વાંધા અરજી કરી હોવા છતાં ચુંટણી અધિકારી ધવલ જાનીએ ધ્યાને લીધી નથી અને તેમની આગેવાનીમાં ચાર-પાંચ ચુંટણી અધિકારી પોસ્ટલ બેલેટની કાઉન્ટીંગ અને રિજેક્ટ કરતા હતા.
કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારનાર કોંગ્રેસી ઉમેદવાર અશ્વિન રાઠોડે કોર્ટમાં ઉલટ તપાસ જણાવ્યું હતું કે, તેમણે VVPATની ગણતરી માટે નહીં પરંતુ મતની પુનઃગણતરી માટે બે વાર લેખિત અરજી કરી હતી. જેને ચુંટણી અધિકારી ધવલ જાની દ્વારા ધ્યાને લેવામાં આવી ન હતી. ચુંટણી અધિકારી ધવલ જાની ઉપર હતા અને તેમના ઈશારે ચાર-પાંચ અધિકારીઓ અલગ અલગ ખાનામાં બેસીને કાર્ય કરતા હતા અને દસ મત-પત્રક જે જાનીને બતાવવામાં આવ્યા હતા. તેના પર સહી ન લેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો અને એજ ફોર્મ નં-20 પીટીશન સાથે બિડાણ કર્યું હોવાનો દાવો કર્યો હતો.
અગાઉ અરજદાર અશ્વિન રાઠોડે જુબાનીમાં જણાવ્યું હતું કે, આખી પીટીશનમાં ચુંટણી અધિકારી શબ્દ ધવલ જાની માટે વાપર્યું છે અને મત-ગણતરીના કામકાજ દરમિયાન આખો દિવસ હાજર રહ્યાં હોવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સાક્ષી તરીકે જુબાની આપવા આવેલા ચૂંટણી અધિકારી ધવલ જાનીની ભુમિકા કોર્ટને શંકાસ્પદ લાગતા તેમને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા અને કોર્ટે તેમને કેસને લગતું વલણ લેખિતમાં રજૂ કરવાનો આદેશ કર્યો હતો. જેમાં તેમણે કોંગ્રેસી ઉમેદવાર અને અરજદાર અશ્વિન રાઠોડની ઉલટ તપાસની માગ કરી હતી.
અગાઉની સુનાવણીમાં ચૂંટણી પંચ તરફથી વકીલે પક્ષકાર ધવલ જાની અને વિનિતા બોહરા વિરુદ્ધ કાર્યવાહીના પગલાં લેવાં અંગે ગુજરાત અને રાજસ્થાનના મુખ્ય સચિવને પરિપત્ર લખી જાણ કરી હોવાની દલીલ કરી હતી. જેની સામે હાઇકોર્ટે કહ્યું કે, અમે ચૂંટણીને આવો કોઈ સબમિશન કરવાની ફરજ પાડી ન હતી. ચૂંટણી પંચે આ અંગે હાઇકોર્ટમાં વધુમાં કહ્યું હતું કે, મતગણતરીની પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે એ મામલે પરિપત્ર દેશના તમામ રાજ્યના મુખ્ય સચિવને મોકલી દેવાયા છે.
ભુપેન્દ્ર ચુડાસમાની ઈલેક્શન પીટીશન મામલે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં ચાલતી રિર્ટનિંગ ઓફિસર ધવલ જાનીની જુબાની અને ભુમિકા શંકાસ્પદ લાગતા હાઈકોર્ટે ધવલ જાની વિરુદ્ધ નોટિસ કાઢી હતી અને આગામી સુનાવણી દરમિયાન પક્ષકાર તરીકે હજાર રહી તેમના પર લગાડવામાં આવેલા આક્ષેપ મુદ્દે જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
આ કેસમાં છેલ્લી ત્રણ મુદ્દતથી રિર્ટનિંગ ચુંટણી અધિકારી ધવલ જાનીની જુબાની ચાલી રહી હતી. જેમાં તેઓ હાઈકોર્ટ સમક્ષ યોગ્ય ખુલાસો ન કરી શકતા હાઈકોર્ટે તેમને પક્ષકાર બનાવી દીધા હતા.
ધોળકા વિધાનસભા બેઠક પર રિર્ટનિંગ ઓફિસર તરીકે કાર્યરત ધવલ જાનીએ જુબાનીમાં કહ્યું હતું કે, 429 પોસ્ટલ બેલેટ મત ચુંટણી પંચના નિયમો વિરુદ્ધ હોવાથી તેમને રદ્દ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પરથી ભાજપના ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો 327 મત જેટલી પાતળી માર્જિનથી વિજય થયો હતો.
અરજદાર અશ્વિન રાઠોડનો આક્ષેપ છે કે, આચારસંહિતા લાગું થયા બાદ ધોળકાના ડેપ્યુટી કલેક્ટર ગૌરાંગ પ્રજાપતિ કે જે રિર્ટનિંગ ઓફીસર બનવાપાત્ર હતા. તેમ છતાં તેમને ગેરકાયદેસર રીતે હટાવી ધવલ જાનીની નિમણૂંક કરવામાં આવી હતી.
અશ્વિન રાઠોડનો બીજો આક્ષેપ છે કે, ચુંટણી પંચના નિયમો પ્રમાણે પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી કર્યા બાદ EVMની મતગણતરી કરવામાં આવી છે. જો કે, ધોળકા વિધાનસભા બેઠકમાં નિયમનો ભંગ કરવામાં આવ્યો છે અને પાતળી માર્જિનનો અંતર જાણયા બાદ પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ કરવામાં આવી હતી.