- કોરોના પોઝિટિવ કેસનું પ્રમાણ વધતા રાજ્યના આરોગ્ય વિભાગને કરાઇ હતી રજૂઆત
- કોવિડ 19 અંતર્ગત ધંધુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રને 10 બેડની મંજૂરી આપવામાં આવી
- પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને આરોગ્ય સ્ટાફ ફાળવવા કલેક્ટર ને કરાઇ રજૂઆત
ધંધુકા: તાલુકામાં કોરોનાના કેસ વધતા ધંધુકા સામુહિક આરોગ્ય કેન્દ્રને 10 બેડની સુવિધા આપવામાં આવી છે. આ સુવિધાને ક્રમશઃ વધારવામાં આવે તેમજ દર્દીઓને ઓક્સિજન સતત મળતું રહે અને આરોગ્ય વિભાગના સ્ટાફની પૂર્તતા કરવામાં આવે તે માટે રજૂઆત પણ કરવામાં આવી છે.
કેટલાક ગામોએ સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કર્યું
તાલુકાના વિવિધ વિસ્તારોમાં કોરોના સંક્રમણના વધી રહેલા કિસ્સાઓથી ચિંતા પ્રસરી ગઈ છે. ત્યારે તગડી, આકરૂ તેમજ હડાળા જેવા ગામોમાં ગ્રામ પંચાયતના સરપંચો, આગેવાનો દ્વારા મળીને સવારના 7થી 10 વાગ્યા સુધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે. ત્યારબાદ 'કોઈ દુકાન કે લારી ગલ્લા ખોલવા નહીં' એવી નોટીસ જાહેરમાં બોર્ડ પર લગાવી દેવામાં આવી છે અને સૌ કોઈ તેનો સ્વૈચ્છિક રીતે પાલન કરે છે.
વેક્સિન લેવામાં લોકોની ઉદાસીનતા
કોરોના મહામારીના સમયમાં સંક્રમિતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોના વેક્સિન આપવાનો કાર્યક્રમ પણ સતત ચાલી રહ્યો છે, તેમ છતાં લોકો વેક્સિન લેવા સામે ચાલીને આગળ આવતા નથી. જે ખરેખર દુઃખદ બાબત ગણી શકાય. આરોગ્ય વિભાગ તેમજ પોલીસ વિભાગ પણ ફરજિયાત માસ્ક પહેરવા આહ્વાન કરે છે અને જાહેરમાં માસ્કનું વિતરણ પણ કરે છે. આ સાથે વેપારીઓ પણ માસ્કનું વિતરણ કરી રહ્યા છે. ત્યારે લોકો થોડા સમય માટે માસ્ક પહેરીને કાઢી નાંખે છે.