અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવીને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. હવે હારેલા ઉમેદવારો ફરીથી ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યા છે અથવા તો તેમની પરિણામને લઈને મોડે મોડે આંખો ખુલી હોય તેવું લાગે છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ જેમના ચૂંટણીમાં પરાજય થયો છે તેમણે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. હાઇકોર્ટમાં જે અરજી કરવામાં આવી છે તેમાં ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવા છતાં પણ ફોર્મ સ્વીકાર્યા હોવાની આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે.
હારેલા ઉમેદવારોનો આક્ષેપઃ ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના હારેલા ચાર ઉમેદવારો હર્ષદ રીબડીયા, લલિત કગથરા, રઘુ દેસાઈ અને હિતેશ વસાવાએ હાઇકોર્ટમાં અરજી કરી છે. આ હારેલા ઉમેદવારોનો એવો આક્ષેપ છે કે વિજેતા ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવા છતાં પણ તેમના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. તેમજ ફોર્મમાં સોગંદનામાની વિગતોમાં ભૂલ તેમજ પરિણામોના સર્ટિફિકેટ સહિતના કારણો અરજીમાં રજૂ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો Gujarat High court Judgement : ફેમિલી કોર્ટના હુકમ સામે 90 દિવસમાં કરેલી અપીલ માન્ય ગણાશે
પક્ષકાર બનાવવામાં આવ્યા: મહત્વનું છે કે ઉમેદવારો એ જે અરજી કરી છે તેમાં ચૂંટણી પંચ સહિત ઓફિસરને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ ચૂંટણી અધિકારીઓએ જે નિર્ણય લીધો હતો તેની પણ અરજીમાં દલીલ કરી છે. રઘુ દેસાઈએ અરજીમાં જણાવ્યું છે કે, પરિણામ બાદ 58 ટકા મતદાનનું સર્ટિફિકેટ અપાયું હતું.જેને રાત્રે 10:00 વાગ્યે ચૂંટણી અધિકારીએ 64% મતદાન થયાનું જાહેર કર્યું હતું તેથી આ વાત અયોગ્ય છે.
રીટર્નિંગ ઓફિસરની રજૂઆત: લલિત કગથરાએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે, ટંકારા બેઠક પરથી વિજેતા ઉમેદવારના ફોર્મ સાથે જોડાયેલા સોગંદનામાં અનેક ભૂલો હતી. તેના શિક્ષણ અંગે કોઈ સ્પષ્ટતા કરેલી નથી. તેમજ તેમની મિલકત અંગે યોગ્ય માહિતી આપી નથી. તેમની પાસે કાર હોવા છતાં તે દર્શાવવી નથી. તેમના ફોર્મમાં અનેક ખાના બાકી હતા. આ પ્રકારની અનેક ફૂલો હોવા છતાં રિટર્નિંગ ઓફિસરે તેમના ફોર્મ ને રદ કર્યું ન હતું આ અંગે રીટર્નિંગ ઓફિસરની રજૂઆત પણ કરાયેલી હતી. હર્ષદ રીબડીયાએ અરજીમાં રજૂઆત કરી હતી કે, વિજેતા ઉમેદવારે તેમની સામેના ભ્રષ્ટાચાર અને ઉચાપતના કેસમાં થયેલી કામગીરીને છુપાવી છે. તેમજ દીકરાઓના કારખાનાની વિગતો પણ દર્શાવી નથી.
ઇલેક્શન પિટિશન ફાઇલ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટંકારા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા, વિસાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપના હર્ષદ રીબડીયા ,રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના રઘુ દેસાઈ ,અને ડેડીયાપાડા બેઠક ઉપરથી ભાજપના હિતેશ વસાવાએ ચૂંટણી લડી હતી .જોકે હવે ચૂંટણીમાં કારમી હાર બાદ આ તમામ ઉમેદવારોએ હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન ફાઇલ કરેલી છે.