અમદાવાદ: શહેરમાં અગાઉ લાલ બસો ચાલતી હતી. બાદમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો શરૂ કરવામાં આવી, જેમાં હાલ રોડ પર 900 કરતા વધુ બસો દોડે છે. ખાસ કરીને મોટા ભાગની બસો કોન્ટ્રાક્ટ પર ચાલતી હોય તેવામાં અનેક વાર બસના ડ્રાઈવર દારૂના નશામાં, ચાલુ ગાડીઓ ફોન પર વાતો કરતા જણાઈ આવે છે. તેવા કિસ્સામાં તેઓને સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં અમદાવાદ શહેરના રોડ રસ્તાઓને AMTS-BRTS બસના ડ્રાઈવરો પોતાની માલિકીનો રોડ સમજીને બેફામ બસ ચલાવીને બસમાં બેઠેલા મુસાફરો અને બસની આસપાસ વાહન ચલાવતા ચાલકોના જીવ જોખમમાં નાખે છે.
"AMTS- BRTS દ્વારા અકસ્માતના કિસ્સામાં ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધીને ચાલક સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, સાથે જ જે-તે વિભાગને પણ જાણ કરવામા આવે છે. આવનારા દિવસોમાં અને બન્ને વિભાગને સાથે રાખીને ડ્રાઈવરો અને બસોના રેગ્યુલર ચેકિંગ સહિતની કામગીરી કરવાની છીએ, જેથી અકસ્માતો અટકાવી શકાય-- સફીન હસન (અમદાવાદ શહેરના ઈન્ચાર્જ ટ્રાફિક JCP)
ગંભીર ઈજા: છેલ્લાં 3 વર્ષના AMTS બસ ચાલક દ્વારા કરાયેલા અકસ્માતના આંકડા પર નજર કરીયે તો વર્ષ 2021માં 6 મોત, 2022 માં 8 મોત અને ચાલુ વર્ષે જૂન મહિના સુધી 4 લોકોના મોત થયા છે, જ્યારે 2021માં 5, 2022માં 16 અને ચાલુ વર્ષે 6 શહેરીજનોને આ પ્રકારના અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. તેવી જ રીતે BRTS બસના ચાલકો દ્વારા કરવામાં આવેલા અકસ્માતની વાત કરવામાં આવે તો 2021માં 6, 2022માં 5 તેમજ 2023 માં ચાલુ વર્ષે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 2021માં 3, 2022માં 9 અને 2023માં 3 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.
116 લોકોના મોત: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2010 થી જાન્યુઆરી 2023 સુધીમાં AMTS ની બસો દ્વારા 2407 અકસ્માત થયા છે જેમાં 55 લોકોના મોત થયા છે, જ્યારે ખાનગી કોન્ટ્રાક્ટની બસો દ્વારા 4876 અકસ્માત સર્જવામાં આવ્યા છે જેમાં 116 લોકોના મોત થયા છે.