અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections) આડે ગણતરીના દિવસો બાકી છે. રાજકીય પક્ષો તડતોડ મહેનત કરી રહ્યા છે. હાલ ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. તેવામાં ગુજરાતમાં વધુ એક પક્ષ "પ્રજા વિજય પક્ષ" (praja vijay paksh) રચના થઈ છે.
રાજકારણમાં ગરમાવો: પૂર્વ IPS ડીજી વણઝારાએ "પ્રજા વિજય પક્ષ"ની જાહેરાત કરી છે. ભય અને ભ્રષ્ટાચાર નાબૂદીના મુદ્દા સાથે નવો પક્ષ સ્થાપ્યો છે. પૂર્વ IPS ડીજી વણઝારાએ ધાર્મિક-સામાજીક આગેવાનોને સાથે રાખીને નવા પક્ષની જાહેરાત કરી છે. પોતાના પક્ષની જાહેરાત કરતાં રાજકારણમાં ગરમાવો જોવા મળી આવ્યો છે.
નવો રાજકીય વિકલ્પ: ડીજી વણઝારાએ ટ્વીટ કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાંથી ભય અને ભ્રષ્ટાચારના સામ્રાજ્યનો અંત કરી "નિર્ભય પ્રજારાજ" ની સ્થાપના કરવા માટે નવા રાજકીય વિકલ્પ તરીકે "પ્રજા વિજય પક્ષ"ની રચના કરવામાં આવી છે. 182 વિધાનસભા ક્ષેત્રોમાં ચૂંટણી લડવા માટે "પ્રજા વિજય પક્ષ" કટિબદ્ધ છે. પ્રજા વિજય પક્ષ ધીમી પણ મક્કમ ગતિ એ રાજ્યના ચુનાવી મેદાનમાં આવી ગયો છે. જે નૈતિક મૂલ્યોની પુનઃ સ્થાપના કરી લોકોને નવો રાજકીય વિકલ્પ પૂરો પાડશે. ચૂંટણીના જૂજ દિવસો બાકી રહ્યા છે, તેવા સમયે પક્ષની રચનાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.