અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટિમ ઠગ કિરણ પટેલના ઘરે પહોંચી છે. ઘોડાસરમાં આવેલા કિરણ પટેલના પ્રેસટીઝ બંગલોમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ અને સર્ચ ઓપરેશન કરવામા આવ્યું હતું. ખાસ કરીને કિરણ પટેલ અને માલિની પટેલના બેંક એકાઉન્ટ સહિતના દસ્તાવેજોની પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. કિરણ પટેલના ઘરમાંથી અન્ય દસ્તાવેજો તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે કિરણ પટેલની જમ્મુ કાશ્મીરમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે ત્યારે રિમાન્ડ દરમિયાન અલગ-અલગ મુદ્દા ઉપર કિરણ પટેલની તપાસ હાથ ધરવામાં આવશે.
આટલી વસ્તુઓ મળી આવી : મહાઠગ કિરણ પટેલના ઘરે ક્રાઇમ બ્રાંચ દ્વારા અંદાજે 2 કલાક સર્ચ ચાલ્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાન્ચે એક બેંગ ભરીને જરૂરી દસ્તાવેજો કબ્જે કર્યા છે. ઠગ કિરણના બેંક એકાઉન્ટની પાસબુક અને ચેક મેળી આવ્યા છે. તેમજ સિંધુભવન રોડ પરનો જે બંગલો પચાવી પાડવાનો હતો, તે બંગલાની જૂની અને નવી ચાવીઓ મળી આવી છે. તેમજ ઠગ કિરણ પટેલએ મકાનમાં કરેલ વાસ્તુપૂજાની પત્રિકા કવર મળી આવ્યા છે. બંગલાનો રીનોવેશન લે આઉટ પ્લાન સહિતની વસ્તુઓની સાથે કિરણ પટેલના નામની એક્સીસ બેંકની ચેક બુક, HDFC બેંક ઓફ અલ્હાબાદ અને બેંક ઓફ ઇન્ડિયાના બેંક એકાઉન્ટના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. કિરણ પટેલના બેંક એકાઉન્ટ માહિતીમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે. ડોક્યુમેન્ટના આધારે ક્રાઇમ બ્રાંચ અલગ અલગ દિશામાં તપાસ તેજ કરી છે.
આઠ દિવસના રિમાન્ડ: અમદાવાદના શીલજમાં આવેલા પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાના કરોડોની કિંમતના બંગલાને પચાવી પાડવાના પ્રયાસ અને છેતરપિંડી મામલે ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને માલિની પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે જમ્મુ કાશ્મીરમાંથી કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી અને જે બાદ નામદાર કોર્ટમાં રજૂ કરી તેના આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે રિમાન્ડ દરમિયાન તેના દસ્તાવેજો સહિતની તમામ બાબતો અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે. સૌથી પહેલા કિરણ પટેલ છેલ્લા પાંચ વર્ષથી જે જગ્યા પર રહેતો હતો, ત્યાં ઘોડાસરમાં આવેલા પ્રેસ્ટિજ બંગલોમાં ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલને સાથે રાખીને સર્ચ ઓપરેશન અને ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરી હતી.
અનેક મુદ્દાઓ પર તપાસ: કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં એડિશનલ ડાયરેક્ટર હોવાની ઓળખ આપતો હોય ત્યારે તેણે બનાવેલા ફેક ડોક્યુમેન્ટનો કોઈ જગ્યાએ ઉપયોગ કર્યો છે કે કેમ અને તેની પાસેથી અન્ય કયા કયા દસ્તાવેજો મળી આવે છે તે તમામ બાબતોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે આગામી સમયમાં કિરણ પટેલને સાથે રાખીને શીલજમાં જે બંગલો તેણે પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો તે બંગલા ઉપર પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી કિરણ પટેલને સાથે રાખીને તપાસ કરવામાં આવશે. જોકે હાલ તો કિરણ પટેલને સાથે રાખીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ દિશામાં તેની પૂછપરછ અને અનેક મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો Vadodara Crime News ઇનામી આરોપી અનિલ ઉર્ફે એન્થોની ઝડપાયો, સાથે મળ્યાં ઘાતક હથિયારો
આગવી ઢબે પૂછપરછ: કિરણ પટેલના બંગલા બહાર તેની XUV કાર પણ જોવા મળી છે. સોસાયટીના સભ્યોના જણાવ્યા અનુસાર કિરણ પટેલ પાસે XUV કાર સહિત કુલ ત્રણ ગાડીઓ છે. જેમાં એક ઓડી ગાડી પણ તે ધરાવે છે. મહત્વનું છે કે ઘોડાસરનો બંગલો જેમાં કિરણ પટેલ તેના પરિવાર સાથે રહેતો હતો, તે બંગલોનું છેલ્લા ચાર વર્ષનું ભાડું પણ તેણે ન ચૂકવ્યું હોવાનું સામે આવ્યું હતું. જો કે આ મામલે હજુ સુધી મકાન માલિક દ્વારા કોઈપણ પ્રકારની ફરિયાદ કરવામાં નથી આવી. આગામી દિવસોમાં કિરણ પટેલની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આગવી ઢબે પૂછપરછ કરવામાં આવશે. ત્યારે પૂછપરછ દરમિયાન કેવા ખુલાસાઓ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. જોકે હાલની સ્થિતિ એ કિરણ પટેલની મુશ્કેલીઓમાં ચોક્કસથી વધારો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે.