અમદાવાદ : શહેરના સરસપુર વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરી ઝડપીને ટ્રાન્સપોર્ટ ગોડાઉનના મેનેજરને સહિત બે શખ્સોની ધરપકડ કરી છે. સરસપુરમાં આવેલા સફળ 10 માર્કેટ સામે રામકુમાર મીલ કમ્પાઉન્ડ યશ રોડલાઇન્સના ગોડાઉનમાંથી દારૂની 1440 બોટલ અને બિયરના 384 ટીન એમ કુલ 46 પેટી દારૂના જથ્થા સહિત 2.47 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. ક્રાઈમ બ્રાન્ચના PI વી.બી આલની ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે. (Ahmedabad Crime News)
શું હતો સમગ્ર મામલો આ મામલે ક્રાઈમ બ્રાન્ચે મુજીબ શેખ તેમજ ફરહાન ઉર્ફે પાપડ શેખ નામના આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ પકડાયેલા આરોપીઓમાં મુજીબ શેખ યશ રોડલાઇન્સમાં ભાગીદાર અને મેનેજર તરીકેનું કામ સંભાળે છે. મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે રહેતા રમેશ અને જીતેન્દ્ર પરમાર નામના વ્યક્તિ આ દારૂ અને બીયરનો જથ્થો પાર્સલ પેકિંગ કરીને ટ્રાન્સપોર્ટમાં મોકલાવતા હતા. જેમાં બોક્સ દીઠ કમિશન રાખવામાં આવ્યું હતું અને ફરહાન ઉર્ફે પાપડ નામનો આરોપી આ દારૂ અને બીયરનો જથ્થો તેના જુદા જુદા ગ્રાહકોને વેચાણ કરતો હતો. (Saraspur Liquor trafficking)
કેવી રીતે આરોપી ઝડપાયા આરોપીઓ નાણાકીય વ્યવહારો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અથવા ડ્રાઇવર મારફતે કરતા હતા. 9 ડિસેમ્બર 2022 ના રોજ ટ્રાન્સપોર્ટની ટ્રકમાં સામાન આવ્યો હતો. જેમાં આ દારૂ અને બિયરનો જથ્થો પણ આવ્યો હતો. બાદમાં ફરહાન ઉર્ફે પાપડ ગોડાઉન ખાતે આ જથ્થો લેવા માટે જતો હતો અને જે સમયે ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી હતી. (Liquor trafficking in Ahmedabad)
આરોપી અગાઉ પણ ગુનામાં આ મામલે પકડાયેલો આરોપી ફરહાન ઉર્ફે પાપડ અગાઉ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના પાંચ ગુનામાં તેમજ મારામારીના એક ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. બે વખત તે સુરત જેલમાં પાસા પણ ભોગવી ચુક્યુ હોવાનું ખુલ્યું છે. હાલ તો ક્રાઈમ બ્રાન્ચએ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી અન્ય આરોપીઓની તપાસ હાથ કરી છે. (Liquor smuggling under transport in Saraspur)