અમદાવાદ: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાવા જઈ રહી છે. ત્યારે વહેલી સવારથી જ લોકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા હતા. 10:00 વાગ્યા બાદ પ્રેક્ષકોને સ્ટેડિયમની અંદર પણ આપવામાં આવશે. ત્યારે ETV ભારતે ગુજરાત બહારથી આવેલા પ્રેક્ષકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અનેક પ્રેક્ષકોએ 15,000થી લઈને 25,000 સુધીના રૂપિયા ખર્ચીને ટિકિટ ખરીદી હોવાનું સામે આવ્યું છે.
ETV ભારતે ઓરિસ્સાથી આવેલ સિમર સલૂજા અને તેમના મિત્ર સાથે વાતચીત કરતા બંને યુવકોએ જણાવ્યું હતું કે અમે ઓરિસ્સાથી આવ્યા છીએ અને ટિકિટ માટે ખૂબ જ મહેનત કરી હતી, પરંતુ ટિકિટ પ્રાપ્ત થઈ શકે ન હતી. જેથી દિલ્હી ખાતેથી બ્લેકમાં 25000 રૂપિયામાં ટિકિટ ખરીદવામાં આવી છે.
રાજસ્થાનના યુવકે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા દસ કલાકથી રાજસ્થાનથી નીકળ્યો છું અને ટ્રેનમાં જગ્યા ન મળતા સ્લીપર કોચમાં બસમાં અમદાવાદ આવવાની ફરજ પડી હતી. આ ટિકિટ પણ મેં 15,000 રૂપિયામાં બ્લેકમાં ખરીદી છે અને મારા આખા ગ્રુપ દ્વારા બ્લેકમાં ટિકિટ ખરીદવામાં આવી હતી.
કોલકાતાથી ઝંડો વેચવા આવ્યા: ભારત અને પાકિસ્તાનની મેચમાં સીટીએમની બહાર મોટા પ્રમાણમાં ઝંડાનું વેચાણ થઈ રહ્યું છે. જેની સામાન્ય કિંમત 20 રૂપિયા છે ત્યારે કોલકાતાથી પણ એક વ્યક્તિ ખાસ સ્ટેડિયમની બહાર ઝંડાના વેચાણ કરવા માટે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાનની મેચમાં કરોડો રૂપિયાની બિઝનેસ હોવાના કારણે અનેક લોકો ગુજરાત ખાતે રોજગારી મેળવવા માટે આવી રહ્યા છે.