અમદાવાદ : શહેરની સિવિલ હોસ્પિટલમાં કાઉન્સેલર તરીકે કાર્યરત ઝંખનાબહેન શાહ જણાવે છે કે, હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દી અને હોમકોરન્ટાઈન કરાયેલા તેમના પરિવારના સભ્યોને “બધુ જ સારું થઈ જશે” આ શબ્દો તેમનામાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલા એઆરટી સેન્ટરમાં છેલ્લા 14 વર્ષથી ઝંખનાબહેન શાહ HIV પોઝિટિવ દર્દીઓનું કાઉન્સેલિંગ કરવાની કામગીરી બખૂબી રીતે નિભાવી રહ્યા છે.
ઝંખનાબહેન કહે છે કે, HIV પોઝિટિવ દર્દીનું કાઉન્સેલિંગ કરતાં હું પણ કોરોના પોઝિટિવ થઈ હતી. મને કોરોનાના લક્ષણો જણાતા મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ હું સિવિલની ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ થઈ હતી.
કોરોના વોર્ડમાં દર્દી દાખલ હોય ત્યારે દર્દીની સાથે-સાથે તેના પરિવારને માનસિક હૂંફની તાતી જરૂરિયાત હોય છે. હું હોસ્પિટલમાંથી મારા પરિવારને ટેલિફોનિક વાતચીત તેમજ વીડિયોકોલ કરીને હૂંફ પૂરી પાડતી હતી. મારા મિત્રોને પણ હું ફોન કરીને કહેતી કે તમે મારા ઘરે ના જઈ શકો તો કંઈ નહિ પરંતુ તમે મારા પરિવારના સદસ્યોને ફોન કરીને સહકાર આપજો.
ઝંખનાબહેન સૌ નાગરિકો સંદેશો આપતા જણાવે છે કે, તમારી આસપાસ જો કોઈ કોરોના વોરિયર્સ હોય અને તે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હોય તેવા સંજોગોમાં તેમના પરિવારને સહયોગ કરજો અને તેમના પરિવારને પૂછજો કે કંઈ કામ હોય તો કહેજો.. અમે તમારી સાથે છીએ... આ પ્રકારનું હકારાત્મક વાતાવરણ ઉભું થાય તે જરૂરી છે. હકારાત્મક વાતાવરણથી કોરોના વોરિયર્સનો જુસ્સો બમણો થશે.