અમદાવાદ: AMC દ્વારા એક બાદ એક ખાનગી હોસ્પિટલોને 'ધી એપેડેમિક એક્ટ'હેઠળ નોટિસ ફટકારવામાં આવી રહી છે. આજે શાહીબાગમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ AMCએ શહેરની ખાનગી હોસ્પિટલ સાથે MoU સાઈન કરીને 50 ટકા બેડ આપવાની માગ કરી હતી. જો કે, સરકારના આદેશ બાદ પણ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલની મનમાની અવારનવાર સામે આવી છે. તેવામાં અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાન હોસ્પિટલ દ્વારા કોરોના દર્દીને વેન્ટિલેટર ન ફાળવાતાં તેનું મોત નિપજ્યું હતું. જે મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજસ્થાન હોસ્પિટલને શો કોઝ નોટિસ પાઠવવામાં આવી છે.
18 જૂનના રોજ AMCના રીફર દર્દીને રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીને કારણે સમયસર દાખલ ન કરવાને કારણે દર્દીનું મોત થયું હતું. હરિશ કડિયાને વેન્ટિલેટરની જરૂર હોવાથી તેઓને લાઈફકેર હોસ્પિટલમાંથી રાજસ્થાન હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. પણ જ્યારે રાજસ્થાન હોસ્પિટલમાં લવાયા ત્યારે હોસ્પિટલનાં તંત્ર દ્વારા કોરોના ગેટ ખોલવામાં આવ્યો ન હતો. અને દર્દીને 15-20 મિનિટ સુધી બહાર જ રાખવામાં આવ્યા હતા. ભારે હોબાળા બાદ હોસ્પિટલે ગેટ તો ખોલ્યો, પણ સ્ટ્રેચર લાવવામાં પણ 10-15 મિનિટનો સમય લીધો હતો. AMCના અધિકારી દ્વારા પહેલા વેન્ટિલેટરની માગ કરી હોવા છતાં પણ હોસ્પિટલ દ્વારા બેદરકારીભર્યું વલણ અપનાવવામાં આવ્યું હતું અને તેને કારણે વેન્ટિલેટર યોગ્ય સમયે ન મળતાં કોરોના દર્દીનું મોત નિપજ્યું હતું.
ત્યાર બાદ, આ મામલે તપાસ કરવામાં આવી હતી અને આ તપાસ અહેવાલમાં રાજસ્થાન હોસ્પિટલ દ્વારા બેદરકારી રાખવામાં આવી હોવાની વાત સામે આવી હતી. જેથી આરોગ્ય અધિકારીએ રાજસ્થાન હોસ્પિટલના ચેરમેન સહિત બોર્ડ ઓફ મેનેજમેન્ટના 8 સભ્ય તથા 24 ટ્રસ્ટી મળીને કુલ 32 હોદ્દેદારોને એપેડેમિક ડીસીઝ એક્ટ હેઠળ ભારે દંડ કરવા, કલમ-3 હેઠળ IPC ધારા 188 અંતર્ગત પોલીસ ફરિયાદ કરવા અને સી-ફોર્મ રજીસ્ટ્રેશન કરવા તથા અન્ય સખત કાર્યવાહી નોટિસ ફટકારી છે.
થોડા દિવસ પહેલા આંબાવાડીમાં આવેલી અર્થમ હોસ્પિટલ અને પાલડીની બોડીલાઈન હોસ્પિટલને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારી હતી. કોર્પોરેશને આ બન્ને હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરી હોવાથી હોસ્પિટલે AMCના 50 ટકા રિઝર્વ બેડ ખાલી હોવા છતાં ફુલ થઈ ગયા છે તેવું કહી દર્દીઓને દાખલ કરાતા ન હતા તેમજ ચાર્જ પણ વસૂલવામાં આવતો હતો. જેને કારણે નોટિસ ફટકારી હતી. ત્યાર પછી કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરતા બન્ને હોસ્પિટલને રૂપિયા 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.