અમદાવાદ: કોરોના વાઇરસથી સૌથી વધુ અમદાવાદમાં કેસ નોંધાયા છે, ત્યારે શનિવારે એક વ્ચક્તિનું મોત પણ થયું હતું. જેની દફનવિધિ મુદ્દે કબ્રસ્થાનની નજીકના સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. તેથી જમાલપુર-ખાડીયાના ધારાસભ્યએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે સરકાર પાસેથી નિર્દેશોની માગ કરી હતી.
જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સીએમને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, શનિવારે કોરોનાગ્રસ્ત મહિલાનું મોત થતાં તેની દફનવિધિ માટે ગીતા મંદિર વિસ્તરમાં આવેલા તેમના છીપા કબ્રસ્તાન ખાતે લાવવામાં આવતા મોટી સંખ્યામાં એકત્ર થયેલા સ્થાનિક રહીશોના ટોળાએ કોરોનાના ભયને પગલે શબને ત્યાં દફનાવવાનો વિરોધ કર્યો હતો. પોલીસ અધિકારીઓએ સમજાવ્યા છતાં લોકો માન્યા નહીં.
આ ઉપરાંત ધારાસભ્યએ કોરોનાગ્રસ્ત લઘુમતી સમુદાયના મૃત્યુની દફનવિધિ માટે પોલીસ પ્રોટેક્શનની માગ કરી હતી. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ફરીવાર ન થાય તેના માટે રાજ્ય સરકાર આ મુદ્દે પોલીસ, કલેક્ટરને સૂચના અથવા કેટલાક નિર્દેશ જારી કરે તેવી માગ કરી હતી.
નોંધનીય છે કે, ગીતા મંદિર ખાતે આવેલા છીપા કબ્રસ્તાનમાં દફનવિધિ મુદ્દે સ્થાનિક રહીશોના વિરોધ બાદ તે મોટું સ્વરૂપ ધારણ ન કરે તેના માટે મહિલાને દાણીલીમડા ગંજ શહીદ કબ્રસ્તાનમાં દફનવવામાં આવી હતી.