અમદાવાદઃ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને શહેરની તમામ મસ્જિદોમાંથી લોકોને ઘરમાં જ નમાઝ પઢવાની હાકલ કરવામાં આવી છે. કોરોના વાઇરસ વધુ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે જાહેરાત કરવામાં આવી છે. મસ્જિદોમાં 21 દિવસના લૉક ડાઉન સુધી માત્ર અઝાન થશે.
ગુજરાત હાઇકોર્ટે કોરોના વાઇરસને લીધે તમામ લોકો ધાર્મિકસ્થળની મુલાકાત ન લેવાની ટકોર કરી હતી. ત્યારબાદ તમામ ધર્મોના આગેવાનો તરફે એકાએક નિર્ણય લેવામાં આવ્યાં હતાં. સૌરાષ્ટ્રમાં સોમનાથ અને દ્વારકાધીશના મંદિરને દર્શન માટે બંધ કરી દેવાયાં તો મુસ્લિમ સમુદાય તરફથી તમામ લોકોને ઘરે જ નમાઝ પઢવા અપીલ કરાઈ છે. 21 દિવસના લૉક ડાઉન સુધી મસ્જિદોમાં માત્ર હવે અઝાન થશે અને ઇમામ સાહેબ કે જે નમાઝ પઢાવેે છે. અન્ય 3-4 વ્યક્તિ જ મસ્જિદમાં નમાઝ પઢશે. જ્યારે સામાન્ય લોકોને હવે ઘરમાં જ નમાઝ પઢવી પડશે.
શુક્રવારની નમાઝ પણ આવી જ રીતે પઢવામાં આવશે. દિવસમાં પાંચવાર થતી અઝાન બાદ સ્પીકર પર ઘરમાં જ નમાઝ પઢવાની જાહેરાત કરાઈ રહી છે. અમદાવાદની ઐતિહાસિક શાહેઆલમ દરગાહના ખાદીમ સુબમિયાં ખાને જણાવ્યું હતું કે, લૉક ડાઉન જોવા અને આમતેમ આંટો મારવા નીકળતાં લોકોને ઘરમાં જ રહેવા અને બીમારીથી બચવા અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં જે વાત કહી છે. તેનુ અમલ કરવું ખૂબ જ જરૂરી છે. રાષ્ટ્રને બચાવવા માટે બધાંએ સાથે મળીને આ પગલાં લેવાની જરૂર છે.