અમદાાવાદઃ કોરોનાનો ભય પૂરા વિશ્વમાં છે. સાત લાખથી વધારે લોકો આ સંક્રમણનો શિકાર બન્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ 73 જેટલા પોઝિટિવ કેસો નોંધાયાં છે. આ વચ્ચે લોકોમાં કોરોનાનો ડર એટલો છે કે નેગેટિવ રીપોર્ટ આવ્યો હોવા છતાં સોસાયટીના લોકો તેમને રાખવા માટે તૈયાર નથી. આવો જ એક દાખલો આજે સામે આવ્યો છે. જેમાં માતા પિતાને કોરોના પોઝિટિવ આવ્યો, જ્યારે 5 વર્ષની દીકરીને નેગેટિવ આવતાં જ દીકરીને મા-બાપથી અલગ પાડી દેવામાં આવી હતી.
અમદાવાદમાં કોઈ સગું રહેતું ન હોવાથી દીકરીને પોલીસ અને હોસ્પિટલ સ્ટાફે આખી રાત સાચવી રાખી હતી. દંપતિને પાંચ વર્ષની નાની બાળકીની સારસંભાળનો પ્રશ્ન ઉભો થયો હતો. બાળકીને આખી રાત સોસાયટીના પાર્કિંગમાં સૂવડાવી હતી, પરંતુ હોસ્પિટલના સ્ટાફે માનવતા દાખવી અને બાળકીને પરત હોસ્પિટલ લાવવા કહ્યું હતું. બાળકી હાલ SVP હોસ્પિટલના સેફ ઝોનમાં છે. SVP હોસ્પિટલના ડોક્ટરો, AMC ડેપ્યૂટી મ્યૂનિસિપલ કમિશનર ડો.ઓમપ્રકાશ અને એલિસબ્રિજ પીઆઈએ મદદ કરી બાળકીને તેના પરિવાર સુધી પહોંચાડવા મદદ કરી રહ્યાં છે.
એસ.પી.રિંગ રોડ પર રહેતાં અને પોતાની કંપની ધરાવતાં વ્યક્તિને ત્રણ દિવસ પહેલાં કોરોના વાયરસનો કેસ પોઝિટિવ આવ્યો હતો. તેની પત્ની અને બાળકીનો પણ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં બાળકીનો નેગેટિવ આવ્યો હતો. માતાપિતાને પોતાની પાંચ વર્ષની બાળકીની ચિંતા થઈ હતી. બંને ખૂબ જ ચિંતાતુર થઇ ગયાં હતાં અને મૂળ અમદાવાદના અને કેનેડામાં રહેતાં તેમના મિત્રને કહ્યું હતું કે બાળકીને તારા માતાપિતાના ઘેર લઈ જા. તેમના મિત્રના માતાપિતા બાળકીને લેવા જતાં હતાં. જો કે સોસાયટીના લોકોએ બાળકીને અહીંયા લાવવા પર વિરોધ કર્યો હતો. નાની બાળકી છે, તેના માતાપિતા હોસ્પિટલમાં છે, તેને પરિવારની જરૂર છે, તેવું કહેવા છતાં સોસાયટીના લોકો માન્યાં ન હતાં. ત્યારે પોલીસ અને કોર્પોરેશનના લોકો તે નાની બાળકીની વ્હારે આવ્યાં હતાં.
રાજ્યમાં લૉકડાઉન હોવાથી ઘરની બહાર કોઈ ન નીકળી શકે તેમ હતું. આવી પરિસ્થિતિમાં કેનેડામાં રહેતાં તેમના મિત્રએ ટ્વીટર પર મ્યૂનિસિપલ કમિશનર વિજય નહેરા અને ગુજરાત પોલીસને ટ્વીટ કરી મદદ માગી હતી. ટ્વીટર પર ટ્વીટ થતાં લોકોએ મદદ કરવાની પહેલ કરી હતી તેમ જ મદદ કરવા કહ્યું હતું. મોડી રાતે તાત્કાલિક AMCના ડેપ્યૂટી મ્યૂનિસિપલ કમિશનર ડો. ઓમપ્રકાશે ટ્વીટર પર કેનેડામાં યુવકના મિત્ર સાથે સંપર્ક કરી બાળકીની સંભાળ અને મદદ કરવા ખાતરી આપી હતી. SVP હોસ્પિટલના એક ડોક્ટરે પણ બાળકીને પોતાના ઘેર રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ કચ્છથી યુવકના મોટાભાઈ આવવા તૈયાર હતાં જેથી અમદાવાદ આવવા માટે પોલીસની મદદ લેવાઈ હતી.