અમદાવાદઃ ચૈત્ર માસની પૂર્ણિમા ભારતભરમાં હનુમાન જયંતી પર્વ તરીકે ઉજવાય છે. હનુમાનજી મહારાજ આ પવિત્ર દિવસે અંજની માતાના કૂખેથી જન્મ લીધો હતો. તેઓ કેસરીનંદન કહેવાયા, તથા શિવજીના અગિયારમા રુદ્ર અવતાર તરીકે પ્રસિદ્ધ થયેલ ઇન્દ્રના વજ્રથી હનુમાનજીની હનુ એટલે કે દાઢી તૂટી જવાથી તેમનું નામ હનુમાન પડયું. ઉપરાંત બજરંગ બલી, અંજનીપુત્ર, કેસરીનંદન, પવનપુત્ર, મહાવીર, કપીશ, શંકર સુવન વગેરે નામે પ્રસિદ્ધ થયા છે. હનુમાનજી બાલબ્રહ્મચારી છે. માટે શાસ્ત્રની રીત પ્રમાણે સ્ત્રીઓથી બ્રહ્મચારીનો સ્પર્શ કરાય નહીં. તેથી સ્ત્રીઓથી સ્પર્શ કરીને હનુમાનજીની પૂજા કરાતી નથી, પરંતુ તેઓ મંદિરે જઈ મૂર્તિ સામે બેસીને પાઠ મંત્ર જાપ વગેરે કરી શકે છે.
હનુમાનજીને આંકડો બહુ પ્રિય છે, તેથી આકડાની માળા ધરાવાય છે. કહેવાય છે કે હનુમાનજીએ પનોતીને પગથી દબાવીને રાખે છે, તેથી તેમના પગની પીડા અને કષ્ટ દૂર કરવા તેલ ચઢાવવામાં આવે છે. ખાસ કરીને હનુમાનજીની પ્રસન્નતા માટે હનુમાન ચાલીસા હનુમાન કવચ અને સુંદરકાંડના પાઠ ખૂબ જ ફળદાયી નીવડે છે. હનુમાનજી કળિયુગના અજરઅમર દેવતા છે. તેથી કળિયુગમાં અન્ય દેવોની સરખામણીમાં હનુમાનજીની ઉપાસના સાર્થક ગણાય છે. હનુમાનજીની ઉપાસના માટે મૂર્તિની બરોબર સામે ન બેસતાં થોડું ક્રોસ બેસીને તલ તેલનો દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાના 108 પાઠ અતિ અમૂલ્ય ઔષધ છે.
પરંતુ હાલની કોરોનાની મહામારીની સામે lock downના પગલે સમગ્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં lock down એટલે કે સામાન્ય જનતા કરફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યારે આજે હનુમાન જયંતિની વિશેષ પૂજા અર્ચના માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં ભક્તો દ્વારા પોતાના ઘરમાં જ રહીને હનુમાનજીની આરતી પૂજા કરવામાં આવતી હતી. અને આજે અમદાવાદ રીંગરોડ કોબા સર્કલ પાસે આવેલા પ્રખ્યાત નભોઈ ખાતે હનુમાનજીના મંદિરના Etv ભારત દ્વારા મુલાકાત લેતાં કોઈ પણ ભક્તો દર્શનાર્થે જોવામાં આવ્યાં ન હતાં. જ્યાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં હોય છે, ત્યાં ભક્તો વગરનું મંદિર જોવા મળ્યું હતું.
ભક્તો દ્વારા પણ સરકારના લોકડાઉન અને સ્વયંભૂ કર્ફ્યુનું સતત અને ચુસ્તપણે પાલન કરવામાં આવી રહેલ જોઈ શકાય છે.