- ચૂંટણી પહેલા નેતાઓએ કરી ભીડ
- ચૂંટણીઓ બાદ રાજ્યમાં વકરી રહ્યો છે કોરોના
- હવે કોરોનાનું ઠીકરુ પ્રજાના માથે ફોડાશે
અમદાવાદ: કોરોનાકાળમાં માસ્ક ન પહેરવા બદલ હજારો રૂપિયાનો દંડ ઉઘરાવતી પોલીસ ચૂંટણી સમયે નેતાઓ સમક્ષ વામણી પૂરવાર થઇ છે. ચૂંટણી પહેલા સમગ્ર ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષના નેતાઓએ મોટી સભાઓ, રેલીઓ યોજીને પ્રચાર-પ્રસાર કરતા હવે કોરોના વાજતે-ગાજતે અમદાવાદ જેવા મોટા શહેરોમાં પરત ફર્યો છે. એક સમયે દિવાળીમાં ઉથલો માર્યા બાદ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસનો દૈનિક આંકડો 50 જેટલે નીચે પહોંચ્યો હતો. જે હવે 100ને વટાવી ચૂક્યો છે. કોર્પોરેશને શહેરમાં બંધ કરેલા કોવિડ ટેસ્ટિંગ ડોમ ફરી શરૂ કર્યા છે. તો શમી ગયેલા કોરોનાના વાવરને ફરી વખત એન્ટ્રી આપવા માટે ખરેખર કોણે જવાબદાર ગણી શકાય?
ગુજરાતમાં 06 મહાનગરપાલિકાઓ, 31 જિલ્લા-પંચાયતો, 251 તાલુકા પંચાયત તેમજ 81 નગરપાલિકાની ચૂંટણીઓ સંપન્ન થઈ છે. તેની સાથે જ ફરી એકવાર કોરોનાની ગુજરાતમાં લહેર ઉઠી છે. નાગરિકોને સુફિયાણી સલાહો આપતી ગુજરાત સરકારના ચૂંટણીમાં રાજકીય લાભ લેવા છેલ્લી પાટલીએ જઈને બેઠી છે. ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના પોઝિટિવ થયા છતાંય કોઈ જ કોવિડ ગાઈડલાઈનનું પાલન થયું નહીં. પ્રચાર દરમ્યાન સેંકડો જગ્યાઓ પર કોરોના ગાઈડલાઈન ભંગ થયો હોવા છતાં ચૂંટણી પંચ પણ મૂકદર્શક બની રહ્યું હતું. રાજ્યમાં અને દેશમાં કોઈ ધણીધોરી છે કે નહીં તે પણ પ્રશ્નો સર્જાયા છે.
લગ્નમાં 200 વ્યક્તિઓને આમંત્રણની મહત્તમ મર્યાદા, માસ્ક ન પહેરવા બદલ એક હજાર રૂપિયાનો દંડ, કોરોનાની SOP પાળવામાં સામાન્ય ભૂલ બદલ વ્યાપરીઓને આકરો દંડ કરવામાં આવતો હોય છે. પરંતુ રાજકીય પાર્ટીઓને તમામ બંધનોમાંથી મુક્તિ શા માટે? માસ્ક વગર ફરતા રાજકીય પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી. જ્યારે સામાન્ય પ્રજા સામે તંત્ર દંડનું શસ્ત્ર ઉગામે છે. દરેક પાર્ટીના નેતાઓ ગુજરાતના 3.5 કરોડ જેટલા મતદારો સુધી પહોંચવા હજારોની સંખ્યામાં સભાઓ અને રેલીઓ યોજતાં રહ્યા અને આ લોકોએ રાજ્યને ફરી એક વખત કોરોના સંકટમાં ધકેલ્યું છે.
કોરોનાની સાચી વાસ્તવિકતા તો તેને જ ખબર પડે, જેણે કોરોનાને લીધે પોતાનું સ્વજન ગુમાવ્યું હોય. કોરોના પ્રસરાવવામાં જેટલા નેતાઓ દોષી છે, તેટલી જ પ્રજા પણ દોષી છે. કોરોનાનો સૂરજ આથમ્યો ન હોવા છતાં અમદાવાદ શહેરમાં હજારોની સંખ્યામાં લોકો ક્રિકેટ જોવા જઈ રહ્યા હતા. ત્યારે તે પણ કોરોના પ્રચાર-પ્રસારનું એક માધ્યમ બની શકે છે. મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ વણસી છે, ગુજરાતમાં પણ પરિસ્થિતિ વધુ વણસતા વાર નહીં લાગે.