અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસ સત્તત વધી રહ્યા છે. કોરોનાકાળના લગભગ અઢી મહિના બાદ દેત્રોજ અને ધોલેરા તાલુકા કે જ્યાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો ત્યાં હવે કેસ નોંધાઈ રહ્યા છે. પાછલા 8 દિવસમાં અમદાવાદ જિલ્લામાં નવા 126 કેસ નોંધાયા છે.
અમદાવાદ જિલ્લાના બે તાલુકા દેત્રોજ અને ધોલેરા કે જેમના કોરોનાકાળમાં એકપણ કેસ નોંધાયો ન હતો ત્યાં હવે કેસ નોંધાઈ રહ્યા છે. 29મી મેના રોજ ધોલેરામાં એક કોરોના પોઝિટિવ અને 1લી જૂનના રોજ દેત્રોજ તાલુકામાં 3 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
સરકાર દ્વારા લાદવામાં આવેલા અનલૉક-1ને પણ આના માટે જવાબદાર માનવામાં આવી રહ્યું છે. હવે મોટાભાગના વિસ્તારોમાં લૉકડાઉન ન હોવાથી લોકો હવે પ્રવાસ કરતા થયા છે. જેના લીધે કદાચ હવે આવા વિસ્તારો કે જ્યાં કોરોનાનો એકપણ કેસ ન હતો ત્યાં કેસ નોંધાવવા લાગ્યા છે.
અમદાવાદને અડીને આવેલા બાવળામાં 4 જૂનના રોજ એક સાથે 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. હવે બાવળા તાલુકા પણ કોરોના હોટસ્પોટ બન્યો છે. અમદાવાદ શહેરમાં દરરોજ 250થી વધુ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લામાં પાછલા ત્રણ દિવસમાં 76 કેસ નોંધાયા છે. હવે અમદાવાદના તમામ તાલુકાઓમાં કોરોના કેસ નોંધાયા છે.
અમદાવાદ જિલ્લામાં પણ કોરોનાની સ્થિતિ ભયાવહ થતી જાય છે. વર્તમાન સ્થિતિ પ્રમાણે સૌથી વધારે કોરોના સંક્રમણ ધોળકા, બાવળા ધંધુકા, વિરમગામમાં નોંધાઈ રહ્યા છે. 5મી જૂન સુધીમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ કેસ ધોળકા -99, દસક્રોઈ - 94, સાણંદ - 43 સહિત કુલ 327 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 22 મોત થયા છે.