અમદાવાદ : રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ગામના લોકોને પણ શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે નલ સે યોજના અમલમાં મૂકવામાં આવી હતી. ગુજરાતમાં નર્મદાનું પાણી ગામમાં પહોંચે તેવા પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. પરંતુ તાજેતરમાં જ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અમદાવાદમાં આવેલ પાલડી અને રખિયાલની છાત્રાલયમાં પાણીના ટેન્કર પુરા પાડવાની ટેન્ડર પ્રક્રિયાની જાહેરાતથી નવો વિવાદ થયો છે. જેને લઈને કોંગ્રેસે પણ સરકારની આ નલ સે જલ યોજના ઉપર આક્ષેપો કર્યા હતા.
સરકારની પોલ ખુલી : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પીવાનું પાણી અને વપરાશના પાણી માટે મોટા-મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ પાલડી ખાતે આવેલ નરસિંહ ભગત છાત્રાલય તેમજ રખિયાલમાં આવેલ સરકારી કુમાર છાત્રાલય તેમજ સરકારી કન્યા છાત્રાલયમાં પીવાના પાણીનું ટેન્કર પૂરા પાડવા માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પીવાના પાણીની મોટા દાવા કરવામાં આવી રહ્યા હતા. તેની પોલ આજે ખુલી છે. ગુજરાતમાં વોટર સપ્લાય અને સેનિટેશન માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. તેમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થતા જ રાજ્ય સરકારની પોલ ખુલી ગઈ છે.
ગુજરાતમાં પીવાનું પાણી અને વપરાશના પાણી માટે મોટા-મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાલડી ખાતે આવેલ નરસિંહ ભગત છાત્રાલય તેમજ રખિયાલમાં આવેલ સરકારી કુમાર છાત્રાલય તેમજ સરકારી કન્યા છાત્રાલયમાં પીવાના પાણીનું ટેન્કર પૂરા પાડવા માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે સરકારની કામગીરીની પોલ ખોલી રહી છે. -- ડો. મનીષ દોશી (કોંગ્રેસ પ્રવક્તા)
વિપક્ષના આક્ષેપ : મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મેગા સ્માર્ટ સિટીમાં સરકારી કુમાર છાત્રાલય અને રખિયાલ સરકારી કન્યા છાત્રાલય, સંન્યાસ આશ્રમ ખાતે પાણી પૂરું પાડવાની સરકાર દ્વારા જાહેરાત દર્શાવવામાં આવી છે. એક બાજુ સરકાર દ્વારા 100 ટકા નલ સે જલ શુદ્ધ પીવાનું પાણી સહિતની સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેની જાહેરાત કરતી હતી. ત્યારે સરકારને અમદાવાદ જેવા શહેરના મધ્યમાં સ્થિત અનુસૂચિત જાતિના કુમાર અને કન્યા હોસ્ટેલમાં વપરાશ માટે પણ પાણીના ટેન્કર પર આધારિત રહેવું પડે છે.
રાજ્યમાં શુદ્ધ પાણીની પરિસ્થિતિ : રાજ્યના 8250 ગામમાં પાણીની નબળી ગુણવત્તા ધરાવે છે. જ્યારે 2691 ગામોમાં ફ્લોરાઇડથી દુષિત પાણી જોવા મળી આવે છે. 455 ગામમાં નાઈટ્રેટ વાળુ પાણી જોવા મળી આવે છે અને 792 ગામમાં ખારાશવાળું પાણી જોવા મળી આવ્યું છે. આમ કુલ મળીને 10,288 ગામોમાં શુદ્ધ પીવાનું પાણી પણ જોવા મળતું નથી. નવજીવન મિશન હેઠળ કરોડો રૂપિયાનો ગુજરાતમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. વડોદરા, છોટાઉદેપુર, નવસારી, દાહોદ, મહીસાગર સહિતના અનેક જિલ્લામાં નલ સે જલ યોજના માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે. તેમાં પણ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.