અમદાવાદ: કોરોના વાઇરસની મહામારીના કારણે દેશમાં ધંધા રોજગાર પડી ભાંગ્યા છે અને નાગરિકો પોતાની ઘણા સમયથી કરેલી પ્રોવિડંડ ફંડની બચતમાંથી દેશના 80 લાખ અને ગુજરાતનાં 8 લાખ નાગરીકો પોતાના નાણા ઉપાડવા મજબૂર બન્યાં છે.
બેકાબુ મોઘવારી અને ભાજપની આર્થિક અણઘડ નીતિઓની આકરી ટીકા કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે નોટબંધી અને જીએસટીની મારને પગલે અર્થતંત્ર પર પડેલી ફટકાર બાદ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે દેશના કરોડો નાગરીકો સામે આર્થિક સંકટની વિકટ પરિસ્થિતિ ઉદભવી છે.
સીએમઆઈએનાં એક અહેવાલ અનુસાર દેશમાં દર ચોથા વ્યક્તિમાંથી એક વ્યક્તિ રોજગાર ગુમાવે છે. દેશ અને ગુજરાતમાં પણ મોટા ભાગની કંપનીઓએ 20થી લઇ 50 ટકા સુધીનો પગાર પર કાપ મુક્યો છે. જેને કારણે નાગરીકો જીવન જીવવામાં મોટા પાયે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નાગરિકો પરના અસહ્ય આર્થિક દબાણને પગલે પ્રોવિડન્ટ ફંડની બચતમાંથી પૈસા ઉપાડવા મજબુર બન્યા હતાં. છેલ્લાં અઠવાડિયામાં 1 લાખથી વધુ નાગરિકોએ તેમના નિવૃત્તિ બચત ભંડોળમાંથી નાણાં ઉપાડી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
આર્થિક મંદી, મોઘવારી અને સતત વધી રહેલી બેરોજગારીએ લોકડાઉનનાં સમયમાં પણ 80 લાખથી વધુ નાગરિકોના દાવાની પતાવટ એમ્પ્લ્યોઈઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઈઝેશન કરી હતી. એમ્પ્લોઈઝ પ્રોવિડંડ ફંડમાંથી પૈસા પાછા ખેંચવાની છેલ્લી તારીખ 30 જૂન 2020 હતી. આ ગાળા દરમિયાન ગુજરાતમાંથી 8 લાખ નાગરિકોએ પોતાનું પીએફ ફંડ ઉપાડી લીધું. બેરોજગારી અને મોધવારીને કારણે નાગરિકો પરનું આર્થિક સંકટથી હજુ વધુ ગંભીર પરિસ્થિતિ નિર્માણ થશે જે ગુજરાતમાંથી 20 લાખ લોકોએ પોતાની પીએફની રકમ ઉપાડી લેવી પડે તેવી સ્થિતિ હવે પછીના મહિનાઓમાં આવી શકે છે.
બીજી તરફ નાણાં ઉપાડવા માટેનો હેતુ શું? કેટલા નાગરિકોએ નાણા ઉપાડયા? તેની પર નજર કરીએ તો
1 - મેડીકલ ટ્રીટમેન્ટ માટે, 50 લાખ નાગરિકો, 2,200 કરોડ
2 - કોરોના વિન્ડો, 30 લાખ નાગરિકો, 8,000 કરોડ
3 - કુલ નાગરિકો, 80 લાખ નાગરિક, 30,000 કરોડ
4 - 2019-20 વાર્ષિકમાં ઉપડેલા નાણા, 72,000 કરોડ
5 - 2020-21 3 મહિનામાં ઉપડેલા નાણા, 30,000 કરોડ
લોકડાઉન દરમિયાન મેડીકલ ટ્રીટમેન્ટ અને કોરોના વિન્ડો અંતર્ગત છેલ્લાં 3 મહિનામાં મોટી સંખ્યામાં નાગરિકોએ પોતાના પૈસા ઉપાડવા માટે અરજી કરી હતી. છેલ્લાં ત્રણ અઠવાડિયામાં 1 લાખથી વધુ નાગરિકોએ પૈસા ઉપાડી લીધા છે. 1 એપ્રિલથી અત્યાર સુધી 80 લાખથી વધુ નાગરિકોએ પોતાના પૈસા પરત લઇ લીધા છે. 80 લાખ નાગરિકોનાં દાવાની પતાવટમાં એમ્પ્લોઈઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઈઝેશને 30 હજાર કરોડ રૂપિયા સમાધાન પેટે ચુકવ્યા છે. 9 જુનથી 29 જૂન વચ્ચે 20 લાખ નાગરિકોએ બચતનાં નાણાં પાછા ખેંચી લીધા આ આંકડો આઘાતજનક છે. ભાજપ સરકારે કરેલા અનલોક પછી પણ નાગરીકો નોકરી ધંધા રોજગાર યોગ્ય રીતે ચાલુ થઇ શકયા નથી. જેથી પોતાની મૂળભૂત જરૂરિયાત પૂરી કરવા આર્થિક સંકડામણમાં છે. નોકરી જવા અંને ભયંકર મંદીના મારને કારણે નાગરિકો પોતાનું ઘર ચલાવવા માટે પ્રોવિડંડ ફંડને ઉપાડી રહ્યા છે. સામાન્ય વર્ગ તો આ મંદીમાં પીસાયો જ છે. સાથો સાથ મધ્યમ વર્ગ નોકરીમાંથી છુટા કરવા કે પગારમાં કપાત થવાથી આર્થિક સંકળામણમાં પોતાનું ગુજરાન ચલાવવા અસક્ષમ બન્યા છે અને પોતાની મહામુલી બચત એવા પ્રોવિડંડ ફંડમાંથી નાણાં ઉપાડવાનો વારો આવ્યો છે. એમ્પ્લોઈઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઈઝેશન દ્વારા 75 ટકા સુધીનું ભંડોળ ખાતામાંથી પાછું ખેંચવાની મંજૂરી આપી હતી. પૈસા ઉપાડનાર 24 ટકા નાગરિકોમાં 15થી 50 હજારની માસિક આવક ધરાવતા હતાં. 50 હજારથી વધુ પગાર ધરાવતો વર્ગ માત્ર 2.0 ટકા હતો.