અમદાવાદ: કોંગ્રેસના કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયા દ્વારા રાજકોટ ખાતે ખેડૂતોને પોતાની ઉપજનો યોગ્ય ભાવ મળતો ન હોવાથી, તેનો વિરોધ કરવા કલેકટર કચેરીએ કપાસ અને ડુંગળી જેવા પાક લઈ જઈને, તેઓ આ ઉપજ પી.એમ.કેર ફંડમાં દાન આપવા માંગે છે, તેમ જણાવ્યું હતું. ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી. ગુરૂવારે તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપસ્થિત કરવા માટે લાવવામાં આવ્યા હતા.ત્યારે પાલ આંબલિયાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, પોલીસે તેમને ઢોર માર માર્યો છે. કોંગ્રેસના અગ્રણી ધારાસભ્યો અને નેતાઓએ પણ આ વાતનો વિરોધ કરીને ગુજરાતમાં સરમુખત્યારશાહી છે તેમ જણાવ્યુ હતું.
ત્યારે ભાજપા કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ બાબુ જેબલિયાએ જણાવ્યું હતુ કે, ભાજપાની સરકાર ખેડૂતોની સરકાર છે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબમુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ગુજરાતની સંવેદનશીલ રાજ્ય સરકાર ખેડૂતોને હર સંભવ મદદ કરી રહી છે.ખેડૂતોની ચિંતાનો ઢોંગ કરનારી કોંગ્રેસે ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા યોજનાને વર્ષો સુધી લટકાવી રાખી હતી.કેન્દ્રની કોંગ્રેસ સરકારે નર્મદા યોજનાનું કામ આગળ ન વધે તે હેતુથી કેટલા રોડા નાખ્યા તે જગજાહેર છે. ખેડૂતના સંકટના સમયમાં મગફળી, તુવેર, ઘઉં સહિત અન્ય પાકોની કરોડો રૂપિયાની ઐતિહાસિક ખરીદી સરકારે કરી છે અને જરૂર પડ્યે આગળ પણ કરશે. કિસાન સન્માન નિધિ તરીકે દેશના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગીરથ કાર્ય કર્યુ છે. નર્મદાના નીર વિવિધ નહેરો થકી, સુજલામ સુફલામ યોજના તેમજ સૌની યોજના દ્વારા અનેક કિલોમીટર દૂર સુધી પહોંચડવામાં આવ્યા છે.જેનાથી ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળ્યું છે.
બાબુ જેબલિયાએ અંતમાં જણાવ્યું હતું કે,ભાજપની સરકાર ખેડૂતોની સરકાર છે.ખેડૂતો વધુ સમૃદ્ધ બને તેમજ ખેડૂતોની આવક બમણી થાય તે માટે અનેક પગલાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે લીધા છે. હજુ પણ ખેડૂતોના હિત માટે જે કરવું પડે તે કરવા માટે અમારી સરકારો પ્રતિબદ્ધ છે. મહેરબાની કરીને કોંગ્રેસ ખેડૂતોના નામે પોતાના રાજકીય રોટલા શેકવાનું બંધ કરે.