અમદાવાદઃ નવરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટનાની જાણ થતાં ફાયરના વિભાગના કર્મચારીઓ અહીં આવી પહોંચ્યા હતા, પરંતુ આગ ચોથા માળે લાગી હોવાથી ફાયરના અધિકારીઓની આગ બુજાવવામાં તકલીફ પડી હતી. તેમ છતાં તેમણે કેટલાય લોકોના જીવ બચાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શ્રેય હોસ્પિટલને સ્થાનિક સરકાર દ્વારા કોરોના વાયરસની સારવાર માટે મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે આ હોસ્પિટલમાં આગથી તેમના કાર્ય ઉપર પ્રશ્નો ઊભા છે. કારણકે હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી, ત્યારે બારીઓમાં લોખંડની જાળીઓ નાખવામાં આવી હતી. જેના લીધે લોકો બહાર આવી શક્યા ન હતા અને વધારે પ્રમાણમાં મૃત્યુ થયા છે.
આ પ્રકારની ઘટનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર NOC અને સર્ટિફિકેટ આપવાની કે નવી હોસ્પિટલ શરૂ કરવાની પદ્ધતિઓ પર ફરી એકવાર પ્રશ્ન ઉભો થયો છે. હોસ્પિટલના સંચાલક ભરત મહંતને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જ્યારે મુખ્યપ્રધાનએ મૃતકોના પરિવારને 4 લાખની સહાય અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
આ મુદ્દે બોલતા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે સીધો આક્ષેપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો પર કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ બેજવાબદાર કાર્ય માટે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.