ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર નૈતિકતાને નેવે મૂકીને રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો છે. દોશીએ કહ્યું હતું કે, "મહારાષ્ટ્રમાંથી રાતોરાત રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવામાં આવ્યું અને દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન જાહેર કર્યા છે. જે ભાજપની સત્તા માટે લાલચ દર્શાવે છે. થોડા દિવસ પહેલા ફડણવીસે જાતે જ સરકાર રચવા માટે શિવસેના, NCP અને કોંગ્રેસને શુભેચ્છા પાઠવી હતી. તેમજ તેમણે ટ્વીટ પણ કરી હતી કે, ભાજપ ક્યારેય પણ સંગઠનની સરકાર નહીં બનાવે અને આજે તેમણે પોતે જ મુખ્યપ્રધાનના શપથ લીધા છે."
આગળ વાત કરતાં દોશીએ જણાવ્યું હતું કે, "જ્યારે અજિત પવાર સામે ભ્રષ્ટાચારનો કેસ થયો હતો, ત્યારે ભાજપે ખુલીને પવારનો વિરોધ કર્યો હતો. હવે સત્તા મેળવવા માટે ભાજપે તેના ભ્રષ્ટાચારને પણ ભૂલવી દીધો છે. ભાજપ તેની સાજીદારી અને ભાગીદારીના ઘણા નમૂનાઓ આપી ચૂક્યું છે. ભાજપના વિરોધી સાથે ભાજપને તકલીફ થતી આવી છે. પરંતુ જ્યારે-જ્યારે ભાજપને તેનો સાથ મળે ત્યારે ભાજપને તેનાથી કોઈ તકલીફ થતી નથી. ભાજપ સત્તા માટે કંઈ પણ કરી શકે છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્રને લઈને કોંગ્રેસ રણનીતિ નક્કી કરશે."