અમદાવાદ: આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સામે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સામે આવેલી માહિતી પ્રમાણે ઈસુદાન ગઢવીએ PM મોદીના મન કી બાત કાર્યક્રમ પાછળ થતાં ખર્ચને લઈને ટ્વીટ કર્યું હતું. જે બાબતને લઈને સાયબર ક્રાઇમે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.
![વિવાદિત ટ્વીટ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-08-isudan-gadhvi-fariyad-video-story-7211521_01052023142612_0105f_1682931372_868.jpg)
મન કી બાત કાર્યક્રમને લઈને ટ્વીટ: આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવેલા વિવાદિત ટ્વિટ કરવામાં આવી હતી. જેમાં મન કી બાતનો એક દિવસનો ખર્ચ 8.3 કરોડ છે, 100 એપિસોડના 830 કરોડ તો ખાલી મન કી બાત કરવામાં ગયા. હવે તો હદ થાય છે. ભાજપના કાર્યકરોએ આ અંગે વિરોધ કરવાની જરૂર છે, મોટાભાગે મન કી બાત એ જ સાંભળે છે. આ આ પ્રકારનું લખાણ લખવામાં આવ્યું હતું.
લોકોને ગેરમાર્ગે દોરવા એ ખૂબ જ મોટો ગુનો: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ખોટી માહિતી આપી લોકોને ગેરમાર્ગે દોરવુ એ ખૂબ જ મોટો ગુનો છે. તેઓ એક બાદ એક લોકોને ખોટી માહિતીઓ આપે છે. અગાઉ તેઓ કહે છે અને ત્યારબાદ તેને ડીલીટ કરી દે છે. ડિલીટ શા માટે કરવું પડે છે ? આ પ્રકારે ખોટી માહિતી આપી લોકોને ગેરમાર્ગે દોરવુ એ ખૂબ જ મોટો ગુનો છે અને આ કોઈ નાની બાબત નથી.
ભાજપની તાનાશાહી: આપ નેતા ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે ઈસુદાન ગઢવી પર એફઆઇઆર નોંધવામાં આવી છે. આવી જ ખોટી એફઆઈઆર યુવરાજસિંહ ઉપર પણ કરવામાં આવી હતી અને આવી જ ખોટી એફઆઈઆર મારી ઉપર પણ કરવામાં આવી તેમજ કેજરીવાલજી ઉપર પણ કરવામાં આવી હતી. ભાજપે તાનાશાહી ચાલુ કરી છે. જે રીતે ગુજરાતની જનતાએ 40 લાખ મત આપીને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં આગળ વધવાની તક આપી ત્યારથી ભાજપને ડર લાગે છે તેથી કોઈપણ સંજોગોમાં તે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. એક બાજુ મહિલા ખેલાડીઓ એફઆઇઆર કરવા માટે ઘરણા પર બેસી છે ત્યાં એફઆઇઆર થઈ રહી નથી અને એક સામાન્ય ટ્વિટ ઉપર ક્રાઈમ બ્રાન્ચ એફઆઈઆર નોંધી રહી છે.
આ પણ વાંચો: Gujarat Day 2023: CM ગેરહાજર, ઋષિકેશ પટેલે કહ્યું પડકારો છતાં PMએ ગુજરાતને અડીખમ રાખ્યું
IPCની વિવિધ કલમો હેઠળ ગુનો: આ ટ્વીટ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમને જાણ IPCની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં IPCની કલમ 153 (જાહેર સુલેહશાંતિ ભંગ, પબ્લિકમા ભડકાઉ મેસેજ સપ્લાય કરવો), 500 (બદનક્ષી), 505/1 (રાજ્યની શાંતિ ભંગ થાય તેવુ વર્તન), 505/2 (અફવા ફેલાવી કોઈની પ્રતિષ્ઠાને હાની પહોચાડવી), આઈટી એક્ટ કલમ 67 (જે વ્યક્તિ વિરુદ્ધ આક્ષેપ થઈ રહ્યો છે, તે ભ્રષ્ટાચારી છે તેવો મેસેજ સોશિયલ મીડિયામા મુકવો) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: હેપ્પી બર્થ ડે ગુજરાત, રાજ્યની સ્થાપનાના 63 વર્ષ પૂર્ણ, જાણો ગુજરાત રાજ્ય બનવાની ગાથા
ટ્વીટને લઈને તપાસ શરૂ: આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમના ACP જે.એમ યાદવે જણાવ્યું હતું કે આ અંગે સાયબર ક્રાઇમ એ ગુનો દાખલ કરી સ્વીટને લઈને ટેકનિકલ એનાલિસિસ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્વિટ ખરેખર ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે કે કેમ તેમજ તેમાં જે ડેટા ઉપયોગમાં લેવામાં આવ્યો છે, તે ડેટા સાચો છે કે કેમ. તે તમામ બાબતોએ ટેકનિકલ એનાલિસિસ કરી આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જે વિગતો મળશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.