અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં લોકો CAA અને NRCને સમર્થન આપતી રેલી યોજી હતી. નાગરિક સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, આગેવાનો, કાર્યકરો જોડાયા હતા ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ભાજપના હોદ્દેદારો, સંસદ સભ્યો, ધારાસભ્યો, મેયર અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા. તમામ લોકોએ ભારત માતાકી જય સાથે કાયદાને સમર્થન આપીને ભારતનો ઝંડો લહેરાવ્યો હતો.
રાજ્યના મુખ્યપ્રધાને લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આઝાદીના 70 વર્ષ બાદ મોદી અને શાહ દ્વારા નાગરિકો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. કાયદાનો વિરોધ કરવા લોકોને કોંગ્રેસ ઉશ્કેરે છે. સરકારના તમામ નિર્ણયોનો કોંગ્રેસ વિરોધ કરે છે. કોંગ્રેસની દેશની શાંતિ અને એકતા સાથે રમત રમે છે. મોદી સરકાર આવ્યા બાદ જ તમામ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દ્વારા હિંદુઓ પર અત્યાચાર કરવામાં આવે છે. ભારતમાં હિંદુઓને નાગરિકત્વ મળી રહે તે માટે અને ઘૂસણખોરો દેશ બહાર હાંકી કાઢવા નિર્ણય લેવામાં આવ્યો છે.