અમદાવાદ: એક તરફ પ્રધાનમંત્રીએ સાંસદમાં મહિલા અનામત બિલ પાસ કરાવી મહિલાઓના માન સન્માનમાં અને હિસ્સેદારીમાં વધારો કર્યો છે. તેવામાં હજુ પણ અમુક લોકો મહિલાઓને માત્ર પોતાના પગના જૂતા સમજી તે રીતે વર્તન કરતા હોય તેવું સામે આવ્યું છે. અમદાવાદના પોશ વિસ્તારમાં એક મહિલાને તાલિબાની સજા અપાતી હોય તેમ માર મારતો વીડિયો સામે આવ્યો છે.
યુવતીને વાળ પકડીને ઢસડી: સિંધુ ભવન રોડ પર આવેલા એક સ્પા બહાર સ્પા સંચાલકે મહિલાને મૂઢ માર માર્યો હતો. હેવાનીયતની હદ વટાવી તેને વાળ પકડીને ઢસડી હતી અને કપડાં પણ ફાડી નાખ્યા હતા. સ્પા સંચાલકે લગભગ 4 મિનિટ સુધી યુવતી પર આવો જુલમ ગુજાર્યો હતો. મારનો ભોગ બનેલી યુવતીને બોલવાના કે ઉભા થવાના પણ હોશ રહ્યા નહોતા. જે સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મહિલા અને પુરુષ વચ્ચે બોલાચાલી: અમદાવાદના સિંધુ ભવન રોડ પર બનેલી એક ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે, જે સીસીટીવીમાં નોર્થ ભારતની દેખાતી એક મહિલાને એક શખ્સ દ્વારા મૂઢ માર મારવામાં આવતો હોય તેવું જોવા મળ્યું છે. મહિલા અને પુરુષ વચ્ચે બોલાચાલી અને મારામારી થતી દેખાય છે ત્યાં એક સિક્યુરિટી ગાર્ડ પણ ઉભો ઉભો આ દ્રશ્ય જોઈ રહ્યો હોય તેવું સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે. જોકે તે પણ મહિલાને બચાવવા કઈ ન કર્યો હોય તેવું જોવા મળ્યું હતું.
મહિલાને મારતા સીસીટીવી: સિંધુભવન રોડ પર આવેલા ગેલેક્સી સ્પા બહારનો આ બનાવ હોવાનું સામે આવ્યું છે. સ્પાના સંચાલક દ્વારા સ્પામાં મહિલાને મારતા સીસીટીવી હોવાનું ખુલ્યું છે. સિંધુ ભવન રોડ પરના ટાઈમ્સ સ્કવેર બિલ્ડીંગમા આવેલા ગેલેક્સી સ્પાનો આ બનાવ છે. મોહસીન નામના સંચાલકે મહિલાને મારી તેના કપડાં પણ ફાડીને હેવાનીયતની હદ વટાવી હોવાનું સામે આવ્યું છે. તેવામાં આ વીડિયો સામે આવતા બોડકદેવ પોલીસે તપાસ શરૂ કરી છે.
યુવક અને મહિલાને શોધવાની તજવીજ ચાલુ: આ અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.આર ધવને ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વીડિયો પોલીસને મળ્યો છે. જેથી વીડિયોમાં દેખાતા યુવક અને મહિલાને શોધવાની તજવીજ ચાલુ છે. તેઓ હાથે લાગશે એ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.