અમદાવાદ : ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નો ફાઈનલ મુકાબલો 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ ફાઇનલ મેચની પૂર્વ સંધ્યાએ બંને ટીમના ખેલાડીઓ મહા મુકાબલાને જીતવા માટે પરસેવો પાડી રહી છે. ઉપરાંત મેચ પૂર્વે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નો મહામુકાબલો : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ ક્રિકેટ રસિકો ભારે ઉત્સાહમાં છે. ત્યારે બીજી તરફ ફાઈનલ મેચ પૂર્વે પણ ભારતીય ટીમ દ્વારા નેટ પ્રેક્ટિસ અને ફિલ્ડીંગ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. વર્લ્ડ કપ 2023 માં હાલ સુધી અજેય રહેલી ભારતીય ટીમનું લક્ષ્ય વર્લ્ડ ચેમ્પિયનનું ટાઈટલ છે. ત્યારે ભારતીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગીલ, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, કેપ્ટન રોહિત શર્મા સહિતના ખેલાડીઓએ મેદાનમાં પરસેવો પાડ્યો હતો.
ભારતની વર્લ્ડ કપ સફર : વર્લ્ડ કપ 2023 ફાઇનલ મેચ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ અત્યાર સુધીની સફરની વાત કરતા કહ્યું હતું કે, આ વર્લ્ડ કપની તૈયારી ત્રણ વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. આટલા સમયથી કયા ખેલાડી વર્લ્ડ કપ 2023 રમશે અને ટુર્નામેન્ટ દરમિયાન કયા ખેલાડીની ભૂમિકા શું રહેશે તે પણ નક્કી કરવામાં આવ્યું હતું. હાલ સુધીની મેચોમાં રોલ ક્લેરિટીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કેપ્ટન અને કોચના સમન્વયથી આ પરિણામ મળ્યું છે. ભારતીય ટીમના દરેક ખેલાડીના માઈન્ડ સેટ મુજબ તેની ભૂમિકા નક્કી કરી ટીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રેલિયા સામે ભારતનો ભૂતકાળ : ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા ટીમ સામે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આ અંગે વાત કરતા રોહિત શર્માએ કહ્યું કે, અમે હરિફ ટીમની નબળાઈને શોધીને તેની સામે ભારતીય ખેલાડીઓની શક્તિનો ઉપયોગ કરીશું. જો અગાઉ કોઈ ટીમ સામે હાર્યા છીએ તો ફરીથી તેવું જ થશે તે જરુરી નથી. કોઈપણ મોટી મેચમાં પ્રેશર હોય છે, પરંતુ અમે લક્ષ્ય પર ફોકસ રાખીશું. અમે અત્યાર સુધી જે કર્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું.
મહા મુકાબલાની પ્લેઈંગ ઈલેવન : ફાઈનલ મેચની પ્લેઈંગ ઈલેવન અંગે વાત કરતા સુકાની રોહિત શર્માએ જણાવ્યું કે, દરેક ખેલાડીને જીવનમાં વિશ્વ કપની મોટી મેચમાં રમવાની ઈચ્છા હોય છે. આ વિશ્વકપ ટીમ તરીકે 15 ખેલાડી માટે મહત્વપૂર્ણ રહેશે. જ્યારે ફાઇનલ મેચની પ્લેઈંગ ઈલેવનની પસંદગી પીચ અને હવામાનની સ્થિતિ, ખેલાડીની આવશ્યકતા અને પર્ફોર્મન્સના આધારે થશે. પરંતુ મેચ અગાઉ મેચ માટેના 11 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી નથી.
અત્યાર સુધીની મહેનત વ્યર્થ નહીં જાય : વર્લ્ડ ચેમ્પિયનના ટાઈટલ અને છેલ્લા વર્લ્ડ કપ અંગે વાત કરતા રોહિત શર્માએ કહ્યું કે, 2011 નો વર્લ્ડ કપ રમી શક્યા નહોતા તેનું દુઃખ છે. પરંતુ તે બધું ભૂલીને અમારુ ધ્યાન મેચ પર છે. અમે શાંત અને ફોકસ રહીને ફાઈનલ મેચ રમીએ. ઉપરાંત દરેક ખેલાડી પોતાની ભૂમિકાને સારી રીતે નિભાવે. છેલ્લે 10 મેચમાં અમે જે કર્યું, પરંતુ આ છેલ્લી મેચમાં એવી કોઈ પણ ભૂલ ન થાય કે અત્યાર સુધીની મહેનત વ્યર્થ જાય અને બેલેન્સ રાખીને ફાઈનલ મેચ રમીશું.