- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવાનો વિવાદ
- ત્રણ અરજીઓ હાઈકોર્ટે ફગાવી
- ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોવાથી અરજીઓ ટકવાપાત્ર નહીં
અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે ઉમેદવારોના ફોર્મને લઈને ઉભા થતા વિવાદો પણ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચી રહ્યા છે. અમદાવાદ અને ભાવનગરમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોનાં ફોર્મ રદ્દ થવા મામલે થયેલી અરજીને હાઇકોર્ટે ફગાવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોવાથી હાલની અરજી ટકી શકે નહીં, પરંતુ અરજદાર ઇચ્છે તો ચૂંટણી બાદ ઇલેકશન પિટિશન કરી શકશે.
હાઈકોર્ટે અરજીઓને ફગાવી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના એક કોંગ્રેસ ઉમેદવાર જ્યારે ભાવનગરના બે કોંગ્રેસ ઉમેદવારોના ફોર્મમાં કેટલીક શક્તિ હોવાના કારણે રદ્દ કરાયાં હતાં. જેને લઇને ત્રણેય ઉમેદવારોએ નામદાર કોર્ટમાં અરજી કરી હતી. એક કિસ્સામાં ઉમેદવારના વાસ્તવિક નામ અને મેન્ડેટના નામમાં તફાવત હોવાથી ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું. જ્યારે અન્ય એક કિસ્સામાં ઉમેદવારના ટેકેદારોને પ્રવેશ નહીં મળતાં ટેકેદારની સહી બાકી હોવાથી ઉમેદવારી ફોર્મ રદ્દ થયું હતું. ત્રીજા કિસ્સામાં સોગંદનામું ફોર્મેટમાં નહીં હોવાના કારણે ઉમેદવારી ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું. નામદાર કોર્ટે નોંધ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોવાથી અરજીઓ ટકવા પાત્ર નથી. જે કારણે હાઈકોર્ટે આ અરજીઓને ફગાવી હતી.