અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તાર મેધાણીનગરમાં અમરાજીનગરની ગલી નંબર 3માં ત્રીજી ઓગસ્ટે રાતના સમયે હત્યાનો બનાવ બન્યો છે. જેમાં રાતના સમયે રવિ ઉર્ફે લલ્લા ભદોરીયા નામનાં 32 વર્ષીય યુવકની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. રાતનાં 10 વાગે આસપાસ રવિ ભદોરીયા ઘરે હાજર હતો તે સમયે અગાઉના ઝઘડાની અદાવત રાખીને કરણ ચૌહાણ, તેનો ભાઈ અર્જુન ઉર્ફે પાર્થ ચૌહાણ તેમજ તેના મિત્રો અંકિત ઉર્ફે કાલુ ચૌહાણ, રવિ ઉર્ફે પટેલ અને વિશાલ યાદવ તેમજ અનુપ તોમર તમામ લોકો ભેગા મળી રવિ ભદોરીયાના ઘરે પહોંચયા હતા.
ખંજરના ઉપરાછાપરી ઘા: આરોપીઓએ જિંદા નહી છોડના, માર ડાલો તેમ કહીને ખંજરના ઉપરાછાપરી ઘા માર્યા હતા. તેમજ અનુપ તોમરે લોખંડની પાઈપ દ્વારા શરીર પર ફટકા માર્યા હતા. તેમજ એટલે ન અટકી રાજવીર નામનાં યુવકની પાછળ દોડીને ફરિયાદીના ઘરે આવીને પથ્થરો માર્યા હતા અને અંતે તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે જાણ થતા મેધાણીનગર પોલીસને કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ મામલે મૃતકના પિતાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
આરોપી ઝડપાયો: આ મામલે પોલીસની તપાસમાં સામે આવ્યું કે મૃતક રવિ ભદોરીયા પણ અગાઉ એક ગુનામાં ઝડપાયો હતો. જોકે પોલીસે આ કેસમાં 6 લોકો સામે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ મામલે એક આરોપીની પોલીસે અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે મેધાણીનગર પોલીસ સ્ટેશનના પીઆઈ યશવંતસિંહ જે. રાઠોડે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે ગુનો દાખલ કરવામા આવ્યો છે. આરોપીઓ ફરાર હોય તેઓની ધરપકડ માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે. જૂના ઝધડાની અદાવતમાં આ હત્યા કરવામાં આવી છે.