- ગાંધીનગર અને પાટણમાં લંચિયા બાબુઓ ઝડપાયા
- ગાંધીનગરમાં કામના બીલો મંજૂર કરાવવા લાંચની માગ
- લાંચ લેતા સરકારી બાબુઓની ધરપડડ
અમદાવાદ: રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી દળના અધિકારીઓ દ્વારા ગઇકાલે એકજ દિવસમાં એકજ વિભાગના અલગ-અલગ 2 કિસ્સાઓમાં લાંચ લેતા સરકારી બાબુઓને પકડવામાં સફળતા મળી છે. ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાનની ગાંધીનગર સ્થિત કચેરીમાં બિલો મંજુર કરાવવા તેમજ પાટણની સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીમાં પેટા કોન્ટ્રેકટના ટેન્ડરની રકમ પાસ કરાવવા માટે લાંચ લેતા સરકારી કર્મચારીઓને રંગે હાથ પકડવામાં આવ્યા છે.
1,21,000 ની રકમ જપ્ત
આ ઘટનાઓમાં પ્રાપ્ત વિગતો મુજબ એક જાગૃત નાગરિક પાસેથી કામના બિલો મંજૂર કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. જોકે આ કિસ્સામાં એસીબીએ આરોપી નિપૂણ ચંદ્રવદન ચોકસી, સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર, સ્ટેટ પ્રોજેક્ટ કચેરી, સમગ્ર શિક્ષા અભિયાન, વર્ગ-2, ગાંધીનગરથી ઝડપી પાડ્યો હતો એટલું જ નહીં એ કિસ્સામાં લાંચની માંગણીના રૂપિયા 1,21,000 ની રકમ પણ જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: ખેડામાં સીટીસર્વે કચેરીના બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા
લાંચની રકમ રિકવર કરી
તો બીજી તરફ ગઇકાલે જ એ.સી.બી. દ્વારા વધુ એક સફળ ટ્રેપ કરવામાં આવી હતી. જેમાં આરોપી તરીકે વિપુલભાઇ મફતભાઇ પટેલ, ડીસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફીસર (આઉટ સોર્સ) સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી પાટણ અને તેમની સાથેના એક કર્મચારી વિનોદકુમાર નરેન્દ્રપ્રસાદ ગોર, ટેકનીકલ રીસોર્સ પર્સન-આઉટ સોર્સ, સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી પાટણ દ્વારા લાંચની સ્વીકારેલી રકમ રૂપિયા 40,000 સાથે આરોપીને પકડી પાડી લાંચની રકમ રિકવર કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં CGST ઓફિસરો લાંચ લેતા ઝડપાયા
એ.સી.બી. બંન્ને આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી
આરોપી વિનોદ નરેન્દ્ર પ્રસાદ ગોર પંચોની હાજરીમાં ફરીયાદી પાસેથી રૂપિયા 40 હજારની લાંચ લેતા પકડાઇ ગયા હતા અને આરોપી વિપુલ પટેલ પણ લાંચના છટકા દરમિયાન પકડાઇ જઈ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા બાબત બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અલગ-અલગ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કિસ્સાની પર્દાફાશ કરવા ટ્રેપીંગ ઓફીસર કે. કે. ડીંડોડ પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર. સાથે એ.સી.બી.પો.સ્ટે., અમદાવાદ શહેર ઉપરાંત સુપરવિઝન અધિકારી કે.બી.ચુડાસમા મદદનીશ નિયામક એ.સી.બી.અમદાવાદ એકમે અલગ-અલગ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે હાલમાં આરોપીની ધરપકડ કરીને કેટલા લોકો પાસેથી લાંચ માંગી હતી અને અત્યાર સુધી કેટલુ કૌભાંડ કર્યું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.