અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર મામલે youtube ચેનલ ચલાવનાર 'પોલ-ખોલ ટીવી'ના એડિટર તેમજ વાલી મંડળનો પ્રમુખ તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ આશિષ કંજારીયાની ધરપકડ કરી છે. આરોપીએ વર્ષ 2017થી અમદાવાદ શહેર તથા અમદાવાદ જિલ્લામાં આવેલી 30થી વધુ સ્કૂલોના ટ્રસ્ટીઓને વોટ્સએપ મારફતે પોલ ખોલ ટીવી યુટ્યુબ ચેનલના વીડિયો, અગાઉ કરેલી આર.ટી.આઈ. અરજીઓ તથા મેસેજ મોકલી સ્કૂલના ટ્રસ્ટીઓને ધમકાવી સ્કૂલ ચલાવવી હોય તો પૈસા આપો કહી ખંડણીની માગણી કરી લાખો રૂપિયા પડાવ્યા છે.
પત્રકારની ઓળખ આપી ખંડણી: ન્યૂઝ ચેનલમાં એડિટર તરીકે ઓળખાતા આશિષ કંજારિયાએ મણિનગરની સ્કૂલના સંચાલક પાસે સ્કૂલ બંધ કરાવવાની ધમકી આપીને ખંડણી માગી હતી. જે પછી સંચાલક પાસે 25 હજાર પડાવ્યા પણ હતા. આ પછી પણ ધમકી આપવાનું ચાલુ રાખતાં તોડબાજ પત્રકાર વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે આશિષની ધરપકડ કરી ત્યારે દારૂના નાશામાં ધૂત હોઈ વધુ એક ગુનો નોંધાયો છે.
કેવી રીતે માંગતો હતો ખંડણી?: ક્રાઈમ બ્રાન્ચમાં સંજયસિંહ ધરમપાલસિંગે નોંધાવેલી ફરિયાદ મુજબ મણિનગરમાં એડ્યુનોવા સાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ જયહિંદ ચાર રસ્તા પાસે આવેલી છે. આ સ્કૂલમાં 9થી 12 નું એજ્યુકેશન ચાલે છે. તેમાં 15 શિક્ષકો અને અન્ય સ્ટાફના 9 કર્મચારી નોકરી કરે છે. આ સાથે એન્ડ્યુનોવાના ત્રણેય ટ્રસ્ટીઓ સાથે મળીને વસ્ત્રાપુર હિમાલયા મોલ પાસે એન્યુનોવા નામે ક્લાસિસ ચલાવે છે. ફરિયાદીને પોલખોલ ટીવીના એડિટર આશિષ કંજારિયાએ વોટ્સએપ કોલ કરીને કહ્યું કે, હું ઘણી બધી સ્કૂલો વિરુદ્ધ આર.ટી.આઈ કરીને મારી પોલખોલ ટીવી મારફતે પોલ ખોલી બદનામ કરી છે. તેવું કહીને રૂબરુ મળવાનું કહી અલગ અલગ સ્કૂલોને લગતા મેસેજ અને યુટ્યુબ વીડિયો મોકલતો હતો.
સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકી: રૂબરૂ મળતાં તેણે જણાવ્યું હતું કે ઘણી સ્કૂલોની મેં પોલ ખોલી છે. તમે મને મારી ચેનલ માટે એડ આપવાનું કહીને 8 લાખ રૂપિયાની એડનું ક્વોટેશન મોકલ્યું હતું. જોકે ફરિયાદીએ એડ આપવાની ના પાડતાં આરોપીએ ફરિયાદી એડ્યુનોવા સાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ ગેરકાયદેસર ચલાવો છો એમ કહી 5 લાખ રૂપિયા આપો નહીં તો તમારી સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. ફરિયાદીએ કંટાળીને આરોપીને 25 હજાર રૂપિયા બેંક ટ્રાન્સફર કર્યા હતા. વધુ 2.25 લાખ રૂપિયા માગ્યા પરંતુ આપવાની ના પાડતા ખોટી આરટીઆઈ અરજીઓ કરાવી હતી. આશીષ કંજારિયાએ સ્કૂલ ચાલુ રાખવી હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે તેવી માંગ કરી હતી.
'ફરિયાદીની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેને અનેક સ્કૂલો પાસેથી આ પ્રકારે પૈસા પડાવ્યા હોવાની અથવા તો પૈસા માંગ્યા હોવાની બાબત તપાસમાં સામે આવતા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.' -ભરત પટેલ, એસીપી, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ
કોણ છે આશિષ કંજારીયા?: આરોપી આશિષ કંજારીયા બોપલનો રહેવાસી છે અને તેણે વર્ષ 2017 થી અત્યાર સુધીમાં અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લામાં જાણીતી 30થી વધુ સ્કૂલોના ટ્રસ્ટીઓને વોટ્સએપ મારફતે પોલ ખોલ ટીવી યુટ્યુબ ચેનલના વિડીયો, RTI અરજીઓ તથા મેસેજ કરીને દબાણ કરતો હતો. સ્કૂલના ટ્રસ્ટીઓને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ જે સીટ હોય તેમાંથી 6 શીટ માંગતો હતો. જો સીટ ના આપે તો એક સીટ દીઠ 3 લાખ રૂપિયાની માંગણી કરતો હતો. સ્કૂલમાં ગેરરીતી ચાલતી હોવાની ધમકી આપીને બ્લેકમેઇલ પણ કરીને ખંડણી ઉઘરાવતો હતો. આરોપીએ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ અનેક વિધાર્થીઓને પૈસાથી પ્રવેશ આપવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ શહેરના સ્કૂલના ટ્રસ્ટીઓને આશિષ દ્વારા ખડણી માંગી હોય કે અન્ય કોઇ ખંડણી માંગતા હોય તો ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો Porbandar Crime : અર્જુન મોઢવાડિયાના નાના ભાઈ રામદેવ મોઢવાડિયાને ફોન પર ધમકી મળી, ફરિયાદ નોંધાવાઇ