અમદાવાદ : રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે, ત્યારે રાજ્યના 16.49 લાખ જેટલા વિદ્યાર્થીઓ આજ પરીક્ષા આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઈપણ અનિચ્છની ઘટના ન બને તે માટે રાજ્યની કક્ષાએ 60 સ્કોડ પણ તૈનાત કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓનું ગુલાબના ફુલથી કર્યું સ્વાગત : કામેશ્વર વિદ્યાલયના પ્રિન્સિપલ જીગ્નેશ પંડ્યાએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે સાથે વિદ્યાર્થીને કહેવામાં આવી રહ્યું છે કે, આ એક સામાન્ય પરીક્ષા છે. કોઈપણ પ્રકારનો તણાવ અનુભવો નહીં જ્યાં પણ સમસ્યા ઉદભવે તો તેના માટે સ્કૂલના શિક્ષકો પણ હાજર છે. સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી વખતે મસ્તકે તિલક, ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
જીવનનો પાયો ધોરણ 10ની પરીક્ષા : બાળકોને શુભેચ્છા આપવા માટે વેજલપુરના ધારાસભ્ય અમે ઠાકર પણ કામેશ્વર વિદ્યાલય પહોંચ્યા હતા. ત્યાં તેમણે જણાવ્યું હતું કે, જીવનનો પાયોએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા હોય છે, ત્યારે બાળકોના માતા પિતા પણ બાળકોને શુભેચ્છા આપતા હોય છે. ત્યારે બાળકોને પોતાના ભવિષ્ય માટે હું અહીંયા બાળકોને શુભેચ્છા આપવા આવ્યો છું અને બાળકોને વિનંતી કરું છું કે આ તમારી કોઈ જિંદગીની પરીક્ષા નથી, પરંતુ તમારા આવનારા ભવિષ્યની પરીક્ષા છે. કોઈ પણ પ્રકારનો તણાવ કે ચિંતા કર્યા વગર શાંતિથી પરીક્ષા આપજો.
આજે ગુજરાતી સહકાર પંચાયત અને નામાના મૂળતત્વોનું પેપર : ધોરણ 10 ની 12 ની પરીક્ષામાં પ્રથમ દિવસે આજે ધોરણ 10 માં ગુજરાતી ધોરણ 12 માં સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયત અને નામાના મૂળતત્વોની પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર ભૌતિક વિજ્ઞાનનું પેપર આજે લેવામાં આવશે. તમામ પરીક્ષાઓ 29 માર્ચના રોજ પૂર્ણ થશે. વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરવામાં આવે તો રેગ્યુલર વિદ્યાર્થીઓ 7,41,337, ખાનગી 11,258 , રિપીટરર 1,65,176 અને ખાનગી રિપીટર 5472, આઇસોલેટેડ 33,110 ,ડિસેબલ 4,034 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં 5,38,230 વિદ્યાર્થીઓ અને 4,18,523 વિદ્યાર્થીનીઓ નોંધાઇ છે.
1763 કેન્દ્ર પર પરીક્ષા શરૂ : રાજ્યમાં આજ ધોરણ 10 અને 12 ના કુલ 16,49,058 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ધોરણ 10 અને 12ની એમ કુલ મળીને 1763 જેટલા કેન્દ્રો અને 56000થી પણ વધુ બ્લોકમાં પરીક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તમામ પરિક્ષાઓ 29 માર્ચ રોજના રોજ પૂર્ણ થશે. પરિણામ મે માસના અંતભાગ અથવા જૂન પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.