- ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે પ્રદેશ યુવા મોરચાની બેઠક યોજાઇ
- પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે યુવા મોરચાને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું
- વિવેકાનંદ જયંતિને લઈને કાર્યક્રમ નક્કી કરાયો
અમદાવાદઃ 29 ડિસેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે યુવા મોરચાની બેઠક યોજાઇ હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામા આ બેઠક યોજાઇ હતી. બેઠકમાં યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલની સાથે યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પેજ કમિટીને લઈને ચર્ચા થઈ
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે યુવા મોરચાને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું અને પેજ કમિટીનું કાર્ય સારી રીતે પ્રગતિ પર છે, તેમ જણાવ્યું હતું. સાથે-સાથે ટૂંક સમયમાં પેજ કમિટીનું કાર્ય પૂર્ણ કરવાનું સૂચન કર્યું હતું.
સ્વામી વિવેકાનંદ જયંતિને લઈને કાર્યક્રમ યોજાયો
આગામી 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે, ત્યારે સમગ્ર દેશમાં આ દિવસને 'યુવા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીએ અગાઉથી જાહેર કર્યું છે કે, આ દિવસે યુવા મોરચા દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે. ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, 12 જાન્યુઆરીએ ગુજરાતના 500 મંડળો પર બાઇક રેલી યોજવામાં આવશે.
બાઇક રેલીમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાશે : ઋત્વિજ પટેલ
આ બાઇક રેલીમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. સ્વામી વિવેકાનંદની જન્મદિવસ નિમિત્તે યુવાનોને વિવેકાનંદના જીવન કવનથી પરિચિત કરવામાં આવશે. આ યુવા સંપર્કથી ભાજપને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લાભ થાય તે નક્કી છે.