- પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું નિધન
- ભાજપે શોક વ્યક્ત કર્યો
- મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને આપી શ્રદ્ધાંજલિ
અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિદેશ પ્રધાન તેમજ ગુજરાતના 4 વખત મુખ્ય પ્રધાન તરીકે રહી ચૂકેલા એવા વરિષ્ઠ માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. જેને લઇને રાજકીય વર્તુળોમાં શોકની લાગણી પ્રવર્તી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખે માધવસિંહને શ્રદ્ધાંજલિ આપી
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે માધવસિંહ સોલંકીના અવસાન પર શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકીના નિધનથી દેશ અને ગુજરાતને મોટી ખોટ પડી છે. તેમને વર્ષો સુધી દેશ અને ગુજરાતની સેવા કરી છે. તેઓ અભ્યાસુ, તટસ્થ, મૃદુભાષી, સૌમ્ય અને લાગણી સભર વ્યક્તિત્વના હતા.
ભાજપ પ્રદેશ પ્રવક્તાએ માધવસિંહને શ્રદ્ધાંજલિ આપી
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકી ચિંતક અને સાહિત્યકાર હતા. લાંબા સમયથી ગુજરાતની રાજનીતિમાં તેમને યોગદાન આપ્યું હતું. તેમના નિધનથી ગુજરાતના જાહેર જીવનને મોટી ખોટ પડી છે. તેમના આત્માને ઈશ્વર શાંતિ આપે અને તેમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે
મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને માધવસિંહના પાર્થિવ દેહના દર્શન કર્યા
ઉલ્લેખનીય છે કે, માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપવા મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સહિત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમના ઘરે પહોંચ્યા હતા. આવતી કાલે કોંગ્રેસ ભવન અમદાવાદ ખાતે તેમના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે.