અમદાવાદઃ દેશમાં હાલ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. તેવામાં સોશિયલ ડિસ્ટન્સ ખૂબ જરૂરી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, બે ગજની દુરી રાખવામાં આવે જેના કારણે કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાતું અટકી શકે છે. પરંતુ, અમદાવાદ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે તેનો સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યો હતો.
શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ અને વિપક્ષના નેતા દિનેશ શર્માની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સનો ઉલ્લંધન થઇ રહ્યું હતું, તેમ છતાં મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા હતા. કુબેરનગર વોર્ડમાંથી આવેલા 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાંથી છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ કોંગ્રેસમાં જોડાઈ રહેલાં કાર્યકર્તાઓ અને નેતાઓ એટલા ઘેલા બની ગયા હતા કે કોરોના મહામારીને ભૂલી જ ગયા હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા.
પદ અને પ્રતિષ્ઠાને લઈ કોંગ્રેસ પક્ષમાં આવી રહેલા તમામ કાર્યકર્તાઓ અને નેતાઓએ વિશ્વની મહામારી કોરોના વાઇરસને નજર અંદાજ કરી રહ્યા હોય તે સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.
જોકે બીજી તરફ સામાન્ય નાગરિક સોશિયલ ડિસ્ટન્સ અથવા તો માસ્ક નથી પહેરતા પોલીસ તંત્ર અથવા તો મનપા દ્વારા કડક અમલ કરવામાં આવે છે અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે અમદાવાદ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સરેઆમ ઉડી રહેલા સોશિયલ ડિસ્ટ્સન્ટને લઈ પોલીસ અથવા સત્તાધીશ તંત્ર કોઈ દંડાત્મક કાર્યવાહી કરે છે કે નહીં તે તો જોવું રહ્યું છે.