- કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને પ્રદેશ ભાજપના તમામ કાર્યક્રમ રદ્દ
- પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો કાર્યકરોને કાર્યક્રમો નહીં યોજવા આદેશ
- ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની પાણી વહી ગયા બાદ પાળ બાંધવાની વાત
અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને તબેલામાંથી ઘોડા છૂટી ગયા બાદ તાળું મારવાનું યાદ આવ્યું છે. સી. આર. પાટીલે ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાંમાં લઈને ભારતીય જનતા પાર્ટીના આગામી તમામ કાર્યક્રમો રદ્દ કરવાની કાર્યકરોને સૂચના આપી છે.
અમદાવાદમાં કોરોનાને કારણે કરફ્યૂની જાણ હોવા છતા તેના એક દિવસ અગાઉ કમલમ ખાતે બેઠકો યોજી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોના વધુ કેસોને કારણે કરફ્યૂ લાગવાનો હતો. તેની જાણ હોવા છતાં એક દિવસ પહેલા જ ગાંધીનગર ખાતેના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તેમને નવા નિમાયેલા જિલ્લા પ્રમુખો સાથે બેઠક યોજી હતી અને પ્રશિક્ષણ વર્ગનો કાર્યક્રમ રાખ્યો હતો. જોકે, આ અગાઉ મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં 21 અને 22 નવેમ્બર યોજાનારી ચિંતન શિબિર રદ્દ કરવામાં આવી હતી.
પેટા ચૂંટણીઓના વિજ્યોત્સવ અને નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષોના કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સની 'ઐસી કી તૈસી'
બીજી તરફ નવા નિમાયેલા જિલ્લા પ્રમુખોના અભિવાદન સમારોહમાં કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. મીડિયાની હાજરીમાં પણ તેમને બધા સમક્ષ પોતાનું વરવું સ્વરૂપ બતાવ્યું હતું. આ અગાઉ 10 નવેમ્બરના રોજ જાહેર થયેલા પેટા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થતા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડાડવામાં આવ્યા હતા, પરંતુ સત્તાધારી પાર્ટીના પ્રમુખ સમક્ષ બોલવાની કે, ભારે રકમનો દંડ ફટકારવાની કોઈ અધિકારીની તાકાત નથી. જો આવું કોઈ મોલ કે દુકાનમાં થયું હોત તો સ્થાનિક કોર્પોરેશન તેને સીલ કરી દેત.
પેટા ચૂંટણીના પ્રચારમાં રેલીઓ યોજી અને પોતે કોરોનાગ્રસ્ત થયા
ભાજપ માટે પેટા ચૂંટણીના પ્રચારમાં સમગ્ર ગુજરાતમાં સી. આર. પાટીલે રેલીઓ યોજાઈ હતી. જેમાં હજારો લોકો ભેગા થયા હતા. પરિણામે કોરોના સંક્રમણના આ કાળમાં તેમને પોતે કોરોનાગ્રસ્ત થયા અને સાથે પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોનાગ્રસ્ત થયા હતા. સી. આર. પાટીલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
અગાઉ જ આ નિર્ણય લીધો હોત તો પ્રશંસાને પાત્ર બનત
કોરોના સંક્રમણ કાળમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાય કાર્યકરોના કોરોનાથી મૃત્યુ થયા છે. ત્યારે હવે રહી-રહીને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે યોગ્ય નિર્ણય લીધો છે, પરંતુ આ નિર્ણય પહેલા લીધો હોત તો પ્રશંસાપાત્ર અને લોકો સમક્ષ દાખલો બનેત. હવે જ્યારે તંત્ર કોરોનાની ગાઇડલાઇનના ભંગને લઇને પ્રજા પાસે દંડ વસૂલે છે. ત્યારે પ્રજા હંમેશા કહે છે કે, દંડ જઈને રાજકીય પક્ષો પાસે વસુલો જેમને ભીડ ભેગી કરીને કોરોના ફેલાવે છે.