અમદાવાદઃ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કરફ્ય અને સાંજે 5 વાગે જે સેવાવ્રતીઓ છે તેનો આભાર માનવા માટે પોતપોતાના ઘરેથી તાળીઓ પાડીને, થાળીઓ વગાડી કે ઘંટનાદ કરીને તેમનું અભિવાદન કરવાની અપીલ કરી છે. તેમાં સહુએ સહયોગ કરવો જોઈએ.
ભરત પંડ્યાએ જણાવ્યું કે કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વ એક ચિંતા અને મૂંઝવણમાં છે. ત્યારે, હાથ વારંવાર ધોવા, ખાંસી/ઉધરસ ખાતી વખતે મોં પાસે રુમાલ રાખવો. ઘરની બહાર ન નીકળવું, વસ્તુઓની સંગ્રહખોરી ન કરવી. બીમારીમાં હેલ્પલાઈન નં.104ને ફોન કરવો.
ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં સમગ્ર સરકારી તંત્ર સક્રિય છે. સીએમ રૂપાણીએ પોતે યુ.એન.મહેતા-સિવિલ હોસ્પિટલ, અમદાવાદની મુલાકાત લઈને આઈશોલેસન વોર્ડ અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વડોદરા ખાતેની સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને લોકોના આરોગ્યની ચિંતા કરી હતી. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ રાજકોટ ખાતેની સરકારી હોસ્પિટલમાં જઈને લોકોની સુવિધાલક્ષી પૂછપરછ કરી હતી.
ભાજપના તમામ ધારાસભ્યો પણ શનિ-રવિમાં પણ પોતાના વિસ્તારમાં પ્રજાની વચ્ચે જઈને જનજાગૃતિ, હિંમત અને સથવારો આપવાનું કામ કરશે. પોતાના વિસ્તાર હોસ્પિટલ કે મુખ્ય સરકારી કચેરીઓમાં જઈને આવશ્યક પગલાંઓ અને જનજાગૃતિની માહિતી મેળવશે. તેમ જ તમામ અધિકારી અને કર્મચારીઓનો આભાર માનશે.