- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવાર પસંદગીની કવાયત હાથ ધરી
- દરેક જિલ્લા અને મહાનગરપાલિકા માટે નીરીક્ષકોની ટીમ બનાવાઈ
- આ અગાઉ ભાજપની કોર કમીટીની બેઠક કમલમ ખાતે યોજાઈ હતી
અમદાવાદ: પ્રદેશ ભાજપ દ્વારા સૂરત, જામનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે પ્રદેશ તરફથી ત્રણ સભ્યોની નીરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે. મહાનગરપાલિકાઓમાં વોર્ડમાં સંભવિત ઉમેદવારો માટે સાંભળવાની પ્રક્રિયા 24, 25 અને 26 જાન્યુઆરી દરમિયાન પૂરી થશે.
કાર્યકરોની રજુઆત સાંભળવા તારીખો નક્કી કરાઇ
જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગર પાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં સંભવિત ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા માટે ચૂંટણીના ભાગરુપે ભાજપ દ્વારા નીરીક્ષકોની ત્રણ સભ્યોની પેનલ બનાવવામાં આવી છે. જિલ્લા દ્વારા પસંદ કરેલા આ નિરીક્ષકો 26 અને 27 જાન્યુઆરી દરમિયાન કાર્યકર્તાઓની રજૂઆત સાંભળશે. બીજા તબક્કામાં નીરીક્ષકોમાં 29, 30 અને 31 જાન્યુઆરી દરમિયાન પ્રદેશ તરફથી નિયુક્ત કરેલા નીરીક્ષકો અને જિલ્લા સંકલન સમિતિ સંયુક્ત રીતે કાર્યકર્તાઓની રજૂઆત સાંભળશે.
અમદાવાદ મહાનગરપાલિકા માટે 12 ટીમ બનાવાઈ
મહાનગરપાલિકા માટે અમદાવાદ મહાનગરપાલિકામાં 12 ટીમ, સૂરત મહાનગરપાલિકા માટે 07 ટીમ, વડોદરા મહાનગરપાલિકા માટે 05 ટીમ, રાજકોટ મહાનગરપાલિકા માટે 4 ટીમ તેમજ જામનગર અને ભાવનગર મહાનગરપાલિકા માટે 03 ટીમ તથા ખેડા સહિતના જિલ્લાઓ માટે 32 ટીમ કાર્યકર્તાઓની રજૂઆત સાંભળશે.