- ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે
- પ્રદેશ કાર્યાલય ખાતે 50 ઔદ્યોગિક સંગઠનો સાથે બેઠક કરી
- બજેટ ઉપર કરી વિસ્તૃત ચર્ચા
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આવ્યા હતા. તેમણે પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાતના 50 જેટલા વ્યાપારી સંગઠનો સાથે મુલાકાત કરી હતી. સાથે જ તેમણે બજેટ ઉપર ચર્ચા પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં બજેટમાં કેન્દ્ર સરકાર વિવિધ ટેક્ષ લાવશે તેવું લોકો માનતા હતા, પરંતુ તેમ થયું નથી.
ઉજ્જ્વલા યોજનાનો લાભ 08 કરોડ મહિલાઓને મળ્યો
ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ઉજ્વલા યોજના 8 કરોડ મહિલાઓ સુધી પહોંચી છે. તેને એક વર્ષની અંદર વધુ એક કરોડ મહિલાઓ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. પરપ્રાંતીય મજૂરોને લઈને 'વન નેશન, વન રેશન કાર્ડ' અંતર્ગત અનાજ વિતરણ યોજનાને વધુ સુલભ બનાવવા સરકાર જઇ રહી છે સરકારે આરોગ્ય બજેટ પાછળ 137 ટકાનો વધારો કર્યો છે. જેને 94 હજાર કરોડથી વધારીને 2.38 લાખ કરોડનું કરાયું છે. સરકારે હાઇવે માટે 1.14 લાખ કરોડની જોગવાઈ બજેટમાં કરી છે. જ્યારે રેલવેને પણ 1.10 લાખ કરોડનું બજેટ ફાળવાયું છે.
ભાવનગરના અલંગ શિપબ્રેકિંગ યાર્ડની ક્ષમતા ડબલ કરાશે
વધુમાં તેમણે કહ્યું કે, 750 જેટલી એકલવ્ય શાળાઓ દેશમાં બનશે, 35 હજાર કરોડની રકમ કોવિડ રસીકરણ માટે ફાળવવામાં આવી છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ 48 કલાકમાં વડાપ્રધાને 2.4 લાખ કરોડનું મીની બજેટ આપ્યું હતું. ગુજરાતમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની ક્ષમતા ડબલ કરવામાં આવશે અને કંપની એક્ટમાં પણ સરળતા કરવામાં આવશે.