અમદાવાદ: આજે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામ હતા. તેલંગાણા રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની છે જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની સરકાર બની છે તેને ધ્યાનમાં લઈને ગુજરાત ભાજપ દ્વારા તમામ જિલ્લાઓમાં ઉજવણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં આવેલ ભાજપના કાર્યાલય ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કાર્યકર્તાઓ, અમદાવાદના ધારાસભ્ય તથા કોર્પોરેટરોની સાથે ઉજવણીમાં જોડાયા હતા.
ભાજપની જીતનો જશ્ન: ખાનપુર કાર્યાલય ખાતે ઉજવણીમાં ભાજપના કાર્યકર્તાઓ ગરબા રમ્યા હતા. એકબીજા સાથે ફોટો પડાવ્યા અને ફટાકડા ફોડીને ત્રણ રાજ્યોના ચૂંટણીના પરિણામોની ઉજવણી કરી હતી. જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકા, ભાજપના હોદ્દેદારો સાથે કાર્યાલયમાં પેંડા ખવડાવીને મોઢું મીઠું પણ કરાવ્યું હતું.
આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું હતું કે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ અને ગેરંટી ઉપર તથા ભારતીય જનતા પાર્ટી ઉપર જાહેર જનતાએ ભરોસો મૂક્યો છે. તમામ લોકોએ આજે ત્રણ રાજ્યના પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટીને મત આપીને વિજય બનાવ્યા છે. તમામ રાજ્યમાં ડબલ એન્જિન સરકારનો લાભ મળે અને દેશ વધુ આગળ વધે તેવું રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
ખાનપુર ખાતે ઉજવણી: ગુજરાત ભાજપ દ્વારા તમામ જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલય ખાતે ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. તે અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપના મુખ્ય કાર્યાલય ખાનપુર ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ શહેર પ્રમુખ અમિત શાહ, નિકોલના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પ્રધાન જગદીશ પંચાલ સહિત અમદાવાદ પશ્ચિમના સાંસદ પણ હાજર રહ્યા હતા પરંતુ ખૂબ ઓછી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આમાં ઉજવણીમાં 500 જેટલા પણ કાર્યકરો દેખાયા ન હતા, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના મોટાભાગના કોર્પોરેટરો પણ ગેરહાજર રહ્યા હતા.
રાહુલ ગાંધીના પોસ્ટરનો આપ્યો જવાબ: 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે પનોતી શબ્દ પર ભાજપના કાર્યકર્તાઓએ પણ પોસ્ટર બોય શરૂ કરીને રાહુલ ગાંધીના ફોટા સાથે 'મેં અસલી પનોતી'ના સૂત્ર સાથે પોસ્ટરથી જવાબ આપ્યો હતો.