અમદાવાદ : ગુજરાતીઓને ઠગ કહેનાર અને અપમાનજનક શબ્દો કહેનાર બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે ફરિયાદ નોંધાવનાર ફરિયાદી હરેશ મહેતા કોણ છે? તેમણે બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે ફરિયાદ નોંધાવી છે જેને લઇને ખૂબ સુર્ખીઓમાં છે. રાહુલ ગાંધી સામે મોદી સરનેમ કેસમાં થયેલી સજાનો દાખલો હજુ તાજો છે તેવામાં બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવના નિવેદનને લઇને થયેલો આ કેસ શા માટે થયો તે સમજીએ.
તેજસ્વી યાદવના કયા વિધાનનો વાંધો પડ્યો? તેજસ્વી યાદવ સામેની ફરિયાદને લઇને થયેલી વાતચીતમાં ફરિયાદી હરેશ મહેતાએ જણાવ્યું હતું કે, 22 તારીખે હું એક સમાચાર જોઈ રહ્યો હતો. જેમાં મેં ખાનગી ન્યૂઝ ચેનલમાં જોયું કે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પત્રકાર પરિષદમાં ગુજરાતીઓ માટે ઠગ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેમાં તેમણે ' સારે ગુજરાતી ઠગ હોતે હૈ ' એવું નિવેદન આપ્યું હતું. આ નિવેદન સામે મને એક ગુજરાતી તરીકે અપમાનજનક લાગ્યું હતું તેમજ મારી લાગણીને ઠેસ પહોંચી હતી.
ગુજરાતીઓને ઠગ કહેવું અપમાનજનક : તેમણે વધુ કહ્યું કે કારણે મે એક ગુજરાતી તરીકે આ ફરિયાદ તેમની સામે દાખલ કરીને અમદાવાદની મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ નોંધાવ્યો છે. ગુજરાતીઓને ઠગ કહેવું અપમાનજનક છે. જો અત્યારે ગુજરાતીને ઠગ કહ્યાં તો વિશ્વફલક ઉપર પણ ગુજરાતીઓની આવી જ છાપ રહેશે તેથી આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને મે આ ફરિયાદ દાખલ કરી છે.
કોણ છે હરેશ મહેતા? : બિહારના ઉપમુખ્યપ્રધાન સામે ફરિયાદ દાખલ કરનાર હરેશ મહેતા અમદાવાદના નરોડામાં રહે છે. હરેશ મહેતા અમદાવાદમાં ઇલેકટ્રિકલ મેઇન્ટનન્સના વ્યવસાય સાથે જોડાયેલા છે. હરેશ મહેતા 63 વર્ષની ઉંમરે પણ પોતાનો ન્યાય મેળવવા માટેનો જુસ્સો તેમજ સમાજમાં ઉભા થતાં પ્રશ્નોને પ્રાધાન્ય આપે છે.
અન્યાય સામે અવાજ ઉઠાવતાં રહ્યાં છે : આની સાથે જ હરેશ મહેતા એક સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે. હરેશ મહેતા ઓલ ઇન્ડિયા એન્ટિ કરપ્શન ક્રાઇમ એન્ડ પ્રિવેન્ટિંગ કાઉન્સિલ સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓ આ સંસ્થાના ઉપપ્રમુખ છે. વર્ષ 1999થી આ સંસ્થામાં કાર્યરત છે. તેમણે જુદી જુદી ઘણી જગ્યાએ સામાજિક કાર્ય કર્યા છે. સમાજમાં થતાં કંઈ પણ અન્યાયને લગતા મુદ્દા હોય તો તેની સામે તેઓ હંમેશા અવાજ ઉઠાવતા આવ્યાં છે.
પાટીદાર આંદોલન સમયે ઉઠાવ્યો હતો આ મુદ્દો : સમાજમાં થઈ રહેલા અન્યાય કે બીજા કોઈ પણ પ્રશ્નને લઈને હંમેશા તેમણે પોતાની વાચા આપી છે. વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનમાં જ્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તેમાં જે કરોડોનું નુકસાન થયું હતું તેનો મુદ્દો પણ હરેશ મહેતાએ ઉઠાવ્યો હતો. આ સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્વાગત હોલ કે પછી બીજા નાના મોટા પ્રશ્નો હોય જનતાને લગતા પ્રશ્નોને મુખર કરીને તેઓ આગળ વધીને લોકોને ન્યાય અપાવવા માટે તત્પર રહે છે.