અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાં એક નવો અધ્યાય શરૂ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. થોડાક દિવસ પહેલા જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખના પદ પરથી હટાવીને સાંસદ શક્તિસિંહને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે. તેમને ગઈકાલે પ્રમુખ પદ ગ્રહણ કર્યો અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પાડવામાં સફળ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ છોડીને ગયેલા વશરામ સાગઠિયા ફરી એકવાર ઘરવાપસી કરી છે. .
કોંગ્રેસ પરિવારની જેમ રાખશે: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે દેશની આઝાદીમાં મહત્વનો ફાળો આપ્યો છે. દેશમાં આવનાર દિવસમાં સેવા કરવાનો યજ્ઞ પણ કરવાનો છે. તે માટે જે પણ લોકો અન્ય પાર્ટી છોડીને કોંગ્રેસમાં આવે છે તેમનું સ્વાગત છે. જેમ દૂધમાં સાંકર ભળે તેમ કોંગ્રેસમાં આવીને ભળી જશે. લોકોને એક પરિવારની જેમ રાખવામાં આવશે. જે લોકો ભાજપમાં ગયા છે તે લોકોનું અપમાન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસમાં કોઈ પાર્ટીનું અપમાન કરવામાં નહીં આવે તેમને એક પરિવારની જેમ રાખવામાં આવશે.
''કોંગ્રેસ પક્ષ મારા માટે નવો નથી. હું આજ મારી ભૂલ સમજતા પરિવારમાં પાછો આવ્યો છું. 1989માં બોટાદના યુથ પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીએ મને નાના પદ પરથી મોટા પદ સુધી પહોચાડ્યો છે. મારી ભૂલ થઈ હતી જેથી હું આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. દેશમાં લોકશાહી ટકાવી રાખવી હોય તો કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ નથી. હાલમાં ભાજપ લોકશાહી નષ્ટ કરવાનું કામ કરી રહી છે.' - વશરામ સાગઠિયા, કોંગ્રેસમાં વાપસી કરનાર નેતા
89થી વધુ લોકો જોડાયા કોંગ્રેસમાં: કોંગ્રેસ પ્રદેશની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્રમાંથી 89થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વશરામ સાગઠિયા, મહિલા પ્રદેશ પ્રમુખ કોમલબેન ભારાઈ, સહસંગઠન પ્રધાન બાબુભાઇ વાળા, સંગઠન પ્રધાન ભરતભાઇ વાળા, રતિલાલ મકવાણા સહ સંગઠન રતિલાલ મકવાણા, પૂર્વ પ્રમુખ S.C દિપક મકવાણા, હેમંત પરમાર, હિતેશ દાફડા, અનિલ ચૌહાણ, કાનભાઈ મકવાણા, નીરજ પટેલ, મુકેશ પરમાર, રમેશ સોલંકી સહિતના આગેવાનો કૉંગ્રેસમાં જોડાયા હતા.