અમદાવાદઃ ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી નીતિને આવકારી છે. વડા પ્રધાન મોદીને જણાવ્યું કે, ભારતનું વૈશ્વિકસ્તરે મહત્વ વધવાની સાથે દેશને વિશ્વગુરૂ બનાવવા માટે વ્યક્તિ અને સમાજના વિકાસ માટે શિક્ષણ આધારશિલા છે. ભારતને નોલેજ સુપર પાવરના સ્વરૂપમાં પ્રસ્થાપિત કરવાની નેમ સાથેની નવી શિક્ષણ નીતિ દેશના પ્રત્યેક નાગરિકના જીવનને સ્પર્શે એક ન્યાયસંગત અને નિષ્પક્ષ સમાજ અને કૌશલ્ય ઘડતર સાથે દેશની સર્વાંગી પ્રગતિની દિશામાં એક કેન્દ્ર સરકારે ઐતિહાસિક પગલું ભર્યું છે.
34 વર્ષ પછી શિક્ષણનીતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોના કૌશલ્ય અને જ્ઞાનથી સજ્જ બનાવવા વિજ્ઞાન, ટેકનોલોજી, એકેડેમિક અને ઈન્ડસ્ટ્રીઝમાં પડતી ખોટ શિક્ષણના આધારે પૂરી કરવા માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. ઓનલાઈન અને ઓફલાઈન પદ્ધતિ દ્વારા તજજ્ઞો સહિત જમીન સ્તરથી ગામડાઓ, શહેરો-જિલ્લાઓ, રાજયોથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધીના લોકોને આ નવી શિક્ષણ નીતિમાં આવરી લેવામાં આવ્યાં છે. દેશની પ્રાચીન ધરોહર અને વિરાસત દ્વારા વિશ્વ સાથે કદમ મિલાવવાનું લક્ષ્ય આ શિક્ષણનીતિમાં સફળ થશે.
ભરત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા નવી શૈક્ષણિક નીતિ ઉપર વિચાર, વાંચન, સમજણ વગર ટીકાઓ કરીને કોંગ્રેસે બુદ્ધિનું દેવાળું ફુક્યું છે. શિક્ષણનીતિ અંગેની પત્રકાર પરિષદ શરૂ થઈ ત્યારે કોઈપણ પ્રકારની માહિતી કે વિગત સાંભળ્યા કે વાંચ્યા વગર કોંગ્રેસના નેતાઓએ શિક્ષણનીતિ ઉપર ટીકાઓ શરૂ કરી હતી. કોંગ્રેસને દેશ માટે કોઈપણ સારી બાબત હોય તો કોંગ્રેસનો નેતાઓ ઊંઘમાં પણ ભાજપ ઉપર આક્ષેપો, અપપ્રચાર અને નિંદા શરૂ કરી દે છે.
નવી શૈક્ષણિક નીતિ અમલમાં લાવવાથી જે તે પ્રાદેશિક-માતૃભાષાનું મહત્વ અને કૌશલ્ય-જ્ઞાનલક્ષી શિક્ષણ એ દરેકના જીવનમાં પ્રોગ્રેસીવ બનશે. દેશની 1000 વિશ્વ વિદ્યાલયો, 42,000 ડિગ્રી કોલેજ, 15 લાખથી વધુ સ્કૂલો તેમજ 1.09 કરોડ પ્રાધ્યપકો અને અમેરીકાની જનસંખ્યાથી વધુ 33 કરોડ વિદ્યાર્થીઓને સ્પર્શતા દેશના વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત, બુદ્ધિજીવો, સમાજસેવકો, પ્રાધ્યાપકો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તરફથી મળેલા 2.25 લાખ એકત્રિત સૂચનો માંથી સંકલન અને સમન્વય કરીને ઐતિહાસિક, શૈક્ષણિક ક્રાંતિ દ્વારા શિક્ષણનીતિ બનાવવામાં આવી છે.
ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, દેશમાં આ શિક્ષણ નીતિથી દરેકક્ષેત્રમાં અમૂલ, પ્રગતિકારક પરીવર્તન આવશે. શિક્ષણ નીતિથી ભારત પોતાનું વૈભવ પુનઃ પ્રાપ્ત કરશે તેમજ ગુણવતા, ઓળખ, જવાબદેહી, સામર્થ્ય અને સમાનતાના આધાર સાથે એક પ્રક્રિયાના સમુહ પર વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ ઉપર ધ્યાન આપવામાં આવશે.