અમદાવાદ: ભારતના દરેક મોટા ધાર્મિક તહેવારો સાથે ભગવાન શ્રી કૃષ્ણ કોઈને કોઈ રૂપે સંકળાયેલા છે. જેમાં સોમવારે રક્ષાબંધન છે. જેની કથા મુજબ શ્રી કૃષ્ણ શેરડી દખાઈ રહ્યા હતા, ત્યારે શેરડી તેમની આંગળી પર વાગી જવાથી લોહી વહેવા લાગ્યું. આ જોઈને દ્રૌપદીએ પોતાની સાડીની કિનારીને ફાડીને શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી હતી, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેમનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો હતો અને તેને આજીવન નિભાવ્યો હતો. આ સાથે સોમવાર એટલે કે શ્રાવણ સુદ પૂનમના દિવસે શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામની જન્મ જયંતિ પણ છે.
રક્ષાબંધનના શુભ પર્વની સાથે બલરામ પૂર્ણિમા પણ છે. શ્રાવણી પૂનમના પાવન દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામની જન્મ જયંતિ છે. શ્રાવણી પૂનમ બાદ શ્રાવણ વદ આઠમના રોજ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. એટલે કે જન્માષ્ટમીનો તહેવાર છે. શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રા એમ ત્રણેય ભાઈ બહેનોએ વૃંદાવન અને ગોકુળમાં ઘણી લીલાઓ કરી છે.
શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ એ શેષનાગનો અવતાર હોવાની માન્યતા છે. જ્યારે શ્રી કૃષ્ણને વરેલા ઇસ્કોન મંદિરમાં સોમવારે બલરામ જયંતિ ઉજવવામાં આવી હતી. સમગ્ર વિશ્વના તમામ ઈસ્કોન મંદિરમાં બલરામ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં સમગ્ર વિશ્વને કોરોના મહામારીમાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે જ કોરોનાને લઈને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું.
બલરામ હંમેશા ભગવાન શ્રી કૃષ્ણના સુખ દુઃખના સાથી રહ્યા છે અને શ્રીકૃષ્ણ પર આવતી કોઈપણ આફતનો સામનો પહેલા બલરામ જોડે થતો હતો. દરેક યુદ્ધ અને મોક્ષ કાળે પણ બલરામ અને શ્રી કૃષ્ણ રામ અને લક્ષ્મણની જેમ એક બીજાના સાથી રહ્યા છે.