અમદાવાદ: ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈને ચર્ચાનો અંત આવ્યો છે. અગાઉ નક્કી કરાયેલા ચાણક્યપુરીના દરબારના સ્થળને બદલીને હવે ઓગણજ રિંગરોડ સર્કલ નજીક નક્કી કરવામાં આવ્યો છે. બાબા બાગેશ્વર ગુજરાતના પ્રવાસે છે તેવામાં તેઓના કાર્યક્રમમાં આવનાર હજારોની સંખ્યામાં આવતા ભક્તો માટે સારા સમાચાર છે.
ઓગણજ ખાતે યોજાશે દિવ્ય દરબાર: 29મીએ એપ્રિલે જે દિવ્ય દરબાર ચાણક્યપુરી ખાતે યોજવાનો હતો તે જ દિવ્ય દરબાર હવે અમદાવાદના રિંગ રોડ પર ઓગણજ નજીક યોજાશે. થોડા સમય પહેલાં પ્રમુખ સ્વામી મહોત્સવ જે જગ્યાએ યોજાયો હતો તે જ સ્થળે બાબા બાગેશ્વરના લોક દરબારનું આયોજન કરવાનું નક્કી કરાયું છે. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા શક્તિ ચોક ખાતે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મહારાજનો દિવ્ય દરબાર યોજાવાનો હતો.
જગ્યા સ્થળ નાનું પડ્યું: જોકે કાર્યક્રમ સ્થળ ખૂબ જ નાનું હોય અને હજારોની સંખ્યામાં ભક્તો બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં આવનાર હોય તેવી શક્યતાના આધારે પોલીસ દ્વારા ચાણક્યપુરીમાં કાર્યક્રમને મંજૂરી આપી ન હતી. જો કે આયોજક દ્વારા કાર્યક્રમમાં લિમિટેડ ભક્તોને બોલાવવા માટે પાસ સિસ્ટમનું પણ આયોજન કર્યું હતું, તેવામાં જગ્યા ખૂબ જ નાની હોય અને ભીડભાડમાં લોકોની જાનમાલને નુકસાન થઈ શકે તેવું હોય જેથી અંતે આયોજક અને પોલીસ વચ્ચે ચાલેલી મીટીંગ બાદ કાર્યક્રમ સ્થળ બદલી દેવામાં આવ્યું છે.
પાસને લઈને અસ્પષ્ટતા: સુરતમાં યોજાયેલા દિવ્ય દરબારમાં જે પ્રકારે હજારોની સંખ્યામાં લોકો બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં આવ્યા હતા, ત્યારે તે બાબતોને ધ્યાનમાં રાખીને રીંગરોડ પર મોટી જગ્યામાં બાગેશ્વર બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હવે તે કાર્યક્રમમાં ભક્તોને પ્રવેશ માટે પાસની જરૂર પડશે કે કેમ તે અંગે આયોજક દ્વારા કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. જોકે બાબાના અન્ય દિવ્ય દરબારમાં જેમ કોઈ પાસ સિસ્ટમ રાખવામાં નથી આવી તેમ અહીંયા પણ હવે પાસ સિસ્ટમ નહિ હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
શું કહ્યું આયોજકે: આ અંગે ETV ભારત સાથે ટેલીફોનિક વાતચીત કરતા દિવ્ય દરબારના આયોજક પંડિત અમિત શર્માએ જણાવ્યું હતું કે દિવ્ય દરબારના કાર્યક્રમનું સ્થળ બદલવામાં આવ્યું છે, બાકી સમય એજ રહેશે. 29મી એ સાંજે 5 વાગે બાબાનો દિવ્ય દરબાર રિંગ રોડ પર ઓગણજ ખાતે યીજાશે.