અમદાવાદઃ તારીખ 25 મેથી 3 જૂન સુધી તેઓ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જુદા જુદા શહેરોમાં ફરીને દિવ્ય દરબાર યોજશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો તથા એમના સમર્થકો ઉમટી પડશે. અમદાવાદથી એના ગુજરાત પ્રવાસની શરૂઆત થઈ રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને સુરતમાં કાર્યક્રમો યોજાવાના છે. તેમની સાથે મોટી સંખ્યામાં તેમનો સુરક્ષા સ્ટાફ અને વિવિધ રાજ્યોમાંથી પણ ભક્તો આવે એવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. એમના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ પર ખાનગી સંસ્થાના સુરક્ષા જવાનો મૂકી દેવામાં આવ્યા હતા. જ્યારે સાધુ સંતોનો સંઘ પણ એરપોર્ટ એમને આવકારવા માટે પહોંચ્યો હતો.
ફાર્મ હાઉસમાં ઉતરશે બાબાઃ બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી ફાઈવ સ્ટાર હોટેલ અને રિસોર્ટ ને ટક્કર આપે એવા ફાર્મ હાઉસ ખાતે સુરતમાં રહેશે.તેઓ બે દિવસ સુધી સુરતના મોટા બિલ્ડર લવજી બાદશાહના લક્ઝરીયસ ગોપિન ફાર્મ હાઉસમાં રોકાશે.તારીખ 26 અને 27 મેના રોજ સુરતના લિંબાયત વિસ્તાર ખાતે આવેલા નીલગીરી ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબાર યોજાશે, જેમાં અઢી લાખથી પણ વધુ લોકો હાજર રહેશે. દિવ્ય દરબાર પહેલા તેઓ એક કિલોમીટર લાંબો રોડ શો પણ કરશે જેને લઇ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સુરતમાં ભવ્ય રોડ શૉઃ ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસે સુરતની મુલાકાતે છે તેઓ દિવ્ય દરબારીઓ છે અને જે લોકો અરજી લઈને આવશે તેમાંથી કેટલાક લોકોની સમસ્યા અંગે વાતચીત પણ કરશે. મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન અઢી લાખ લોકો આ દિવ્ય દરબારમાં બે દિવસ સુધી હાજરી આપશે. ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારમાં પહોંચવા પહેલા એક કિલોમીટર લાંબો ઓપન જીપ્સી રોડ શો કરશે અને દિવ્ય દરબારમાં રોડ શોના માધ્યમથી પ્રવેશ કરશે.
અમદાવાદમાં ભવ્ય કાર્યક્રમઃ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે રાધિકા સેવા સમિતિ તરફથી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળ ડોમ તૈયાર કરવમાાં આવ્યો છે. વોટરપ્રૂફ અને ફાયરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય સ્ટેજ 130x130 ફૂટ પહોળું અને 8 ફૂટ ઊંચું બનશે. આ મુખ્ય સ્ટેજ પર 4 ફૂટની ઊંચાઈએ મહારાજ માટે આસન તૈયાર કરાશે. તારીખ 27 અને 28 મેના રોજ સવારે 9 વાગ્યાથી નિ:શુલ્ક પાસનું વિતરણ કરાશે. આ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. જે સ્થળ પરથી જ કરાવી શકાશે. એક વ્યક્તિને એક જ દિવસનો પાસ મળી રહેશે.
રાજકોટમાં આયોજનઃ રાજકોટમાં 29મી તારીખના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના ત્રિકોણ બાગથી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવશે. જેમાં લક્ઝરીયસ કારનો કાફલો પણ હશે. તો સાથે જ 1000થી પણ વધુ વાહન ચાલકો આ શોભાયાત્રામાં જોડાશે. તો સાથે જ ગુજરાતભરના સંતો મહંતો પણ આ શોભાયાત્રામાં હાજરી આપશે. શોભાયાત્રા રાજકોટ શહેરના ત્રિકોણ બાગથી શરૂ થઈ રાજકોટ શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ રેસકોર્સ મેદાન ખાતે પૂર્ણ થશે.