અમદાવાદ: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના ત્રણ શહેરોમાં દિવ્ય દરબાર યોજાવવા જઈ રહ્યા છે. તેઓના ગુજરાત આગમન પહેલા જ ગુજરાતમાં અનેક જગ્યાએથી વિરોધના સુર ઉઠ્યા છે. હવે તો સંત સમાજના લોકો પણ બાગેશ્વર ધામ પર સવાલ ઉભા કરી રહ્યા છે. આ પહેલા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી પણ તેમના આયોજનને ભાજપ પ્રેરિત હોય તેવા આક્ષેપ કરી ચુક્યા છે.
સનાતન સંત સમિતિ દ્વારા વિરોધ: બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી આગમન પૂર્વે વિરોધનો વંટોળ વડોદરામાં પણ જોવા મળ્યો છે. સનાતન સંત સમિતિ અધ્યક્ષ ડો. જ્યોતિર્નાથે જણાવ્યું હતું કે આવા કામ મદારી અને જાદૂગર કરતા હોય છે અને સનાતન હિન્દુ રાષ્ટ્રની વાત બંધારણ વિરોધી છે. કોઈ પણ પરચી કાઢીને કોઈ પણ સંત પોતાની પાસે રહેલી સિદ્ધિને આવી રીતે જાહેર ન કરે. કદાચ કોઈના કલ્યાણ માટે વાપરે તો તે રૂમમાં વાપરે બહાર નહીં. આજે આ આસનનું મહત્વ હોય છે. ત્યાં બેઠા હોય ત્યાંથી થતું હોય છે. સંત હોય છે તેના પહેરવેશનું મહત્વ હોય છે. મહંત હોય તો તેના પહેરવેશની રીત જોવાતી હોય છે. તેના પહેરવેશ વારંવાર બદલાતા નથી. સંત કે મહંતનો પહેરવેશ એક જ પ્રકારનો હોય છે તે રોજબરોજ બદલાતો હોતો નથી.
બાબા પર બાપુ બગડ્યા: બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં કાર્યક્રમોને લઇને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ તીખું નિવેદન આપ્યું હતું. સુરતમાં બાગેશ્વર ધામના દિવ્ય દરબાર કાર્યક્રમને ભાજપનું માર્કેટિંગ ગણાવ્યું હતું. તેમને વધુમાં જણાવ્યું હતું કે, 'ખોટા ચમત્કારના નાટક આ બધું બંધ થવા જોઈએ. ધર્મના નામે ધતિંગ છે. આ યુગમાં આવી ઘટનાઓ ન થવી જોઈએ. ધર્મના નામે ધતિંગ કરનાર લોકો દેશમાં ક્યારે પણ ભૂખે મરતા નથી. આ ભારતીય જનતા પાર્ટીનું માર્કેટિંગ છે. ભાજપા ભગવાધારી લોકોનો દુરુપયોગ કરી કરી રહી છે. ખોટા ચમત્કારના નામે નાટક બંધ થવા જોઈએ.'
કોંગ્રેસના સવાલો: આગામી 29 અને 30 મેના રોજ અમદાવાદ બાગેશ્વર ધામના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય દરબારને લઈને કોંગ્રેસે ભાજપ પર કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા ડૉ મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશમાં મોંઘવારી, બેરોજગારી, આર્થિક ડામાડોળ સ્થિતિ સહિત જનતાના મૂળ મુદ્દાઓ ઉકેલવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. બીજી બાજુ ભાજપ સરકાર ચૂંટણી જીતવા માટેની રણનિતીના ભાગરૂપે વધુ એક વખત 'બાબા'ને આગળ કરીને જનતાનું ધ્યાન ભટકાવવાના કાર્યક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે. 2014ની લોકસભા ચૂંટણી પહેલા અન્ના હજારે, બાબા રામદેવ સહિતના આંદોલનો કરીને દેશમાં ભાજપાએ સત્તા મેળવી હતી. 2014માં લોકસભાની ચૂંટણી પહેલા બાબા રામદેવ, શ્રી શ્રી રવિશંકર સહિતના બાબાઓના માધ્યમથી ભાજપે સત્તા મેળવી હતી.
ભાજપે આરોપ પાયાવિહોણા ગણાવ્યા: શંકરસિંહ વાઘેલાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના આ કાર્યક્રમને ભાજપનું માર્કેટિંગ અને ધર્મના નામે ધતિંગ ગણાવ્યું છે. તેમના નિવેદન બાદ ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે પણ નિવેદન આપતા કહ્યું હતું કે આ એક ધાર્મિક કાર્યક્રમ છે જેથી સિનિયર નેતાને આવી રીતે પાયાવિહોણા નિવેદન ન આપવું જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રીની જે પ્રસિદ્ધિ છે તેના ભાગરૂપે જ્યારે કોઈ તેમને અહીં લાવતો હોય તો અમારી ઉપર જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે પાયા વિહોણી છે. આ કાર્યક્રમ ધર્મ અને ન્યાયનું એકમ માધ્યમ છે અને આ કાર્યક્રમને લઈ કોઈની ઉપર કોઈ આક્ષેપ કરે એ યોગ્ય નથી.