અમદાવાદ: દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નારોલ સર્કલ પાસે તારીખ 25મી જૂના રોજ સવારે પોણા 6 થી 9 વાગે વચ્ચે સમયે અજાણ્યા વ્યક્તિ દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમ રૂમમાં પ્રવેશ કરીને બહારનો લોક તોડી એટીએમ મશીન તોડવાનો અને ચોરી કરવાનો પ્રયત્ન હતો. જે ઘટનાની જાણ બેંકના મેનેજરને થતા આ બાબતે દાણીલીમડા પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. દાણીલીમડા પોલીસે એટીએમ રૂમમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં આરોપી દેખાઈ ગયો હતો. જે બાદ પોલીસે આરોપીના સીસીટીવીના આધારે તેના ચહેરાની ઓળખ કરવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી હતી.
" આ ફરિયાદ નોંધાતા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે ગુનામાં સામેલ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. તે મટનની દુકાન ધરાવી વેપાર કરે છે અને પોતાના મોજ શોખ પૂરા કરવા માટે પૈસાની જરૂર હોવાથી તેણે એટીએમ મશીનમાંથી પૈસા ચોરીનો પ્રયાસ કર્યો હતો હાલ આરોપીની વધુ તપાસ ચાલુ છે"-- જી.જે રાવત (દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઇ)
મટનની દુકાન ચલાવતો: દાણીલીમડા પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે આ ગુનામાં સામેલ આરોપી દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શાહઆલમમાં ફિરદોષ કમ્પાઉન્ડમાં રહેતો શાનું ઈકબાલભાઈ કુરેશી છે. જેથી તેને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે તે પોતે મટનની દુકાન ચલાવતો હોય અને મોજ શોખ કરવા માટે તેણે પૈસાની જરૂર હોવાથી આ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
આરોપીની વધુ તપાસ: પોલીસે આ આરોપીની હાલ ધરપકડ કરી છે. આ ગુનામાં ઝડપાયેલો આરોપી શાનું કુરેશી અગાઉ પણ નારોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં લૂંટના ગુનામાં ઝડપાયો હોવાની તપાસમાં હકીકત સામે આવી છે. જેથી પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.