ગુજરાત: વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને સાચા અર્થમાં અમલમાં મુકવા ઓનલાઇન વેચાણ કરતી કંપનીઓ પ્રોડક્ટ કયા દેશમાં તૈયાર થઈ છે, એ દર્શાવે તેવી માગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકાર આ અંગે પોલીસી તૈયાર કરી રહી છે અને ટૂંક સમયમાં ઈ કોમર્સ વેબસાઈટને પ્રોડક્ટ ક્યા દેશમાં બની છે, એ દર્શાવુ પડશે.
હાઇકોર્ટમાં કેન્દ્ર સરકાર તરફે રજૂ કરતા એડવોકેટ દેવાંગ વ્યાસે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર આ મુદ્દે નિયમો ઘડી રહી છે. ગ્રાહકોના અધિકાર હેઠળ આ વસ્તુને લાવવામાં આવશે અને ભારતમાં ઓનલાઈન વેચાણ કરનારી તમામ ઓનલાઈન વેબસાઇટને પ્રોડક્ટ કયા દેશમાં બની છે, તેની માહિતી આપવી અનિવાર્ય બનશે.
હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, જો ઓનલાઇન વેબસાઇટ પર કોઈ ચિહ્નન, રંગ કે દેશનું નામ લખવામાં આવે તો લોકોને ખબર પડી શકે અને જે લોકો સ્વદેશી ખરીદવા માગે છે, તેઓ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ થશે. વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને પણ વેગ મળશે. આ અગાઉ હાઇકોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં ઓનલાઈન વેબસાઈટ પર પ્રોડક્ટ કયા દેશમાં બન્યું છે એ દર્શાવવામાં આવતું નથી પરંતુ હવે કેન્દ્ર સરકારના જવાબ બાદ પ્રોડક્ટ જ્યાં બની છે, એ દેશનું નામ દર્શાવવામાં આવશે.