અમદાવાદ: જૂના વાડજ વિસ્તારમાં અંગત અદાવત રાખી એક યુવકે દુકાનદાર પર હુમલો કરી ઈજાઓ પહોંચાડતા આ ઘટનાની ફરિયાદ વાડજ પોલીસ મથકે નોંધાઇ છે. જોકે વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વોનો રંજાડ વધતા વેપારીઓમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આવા અસામાજિક તત્ત્વોને બરાબરનો પાઠ ભણાવવા તમામ વેપારીઓ દ્વારા પોલીસને અરજ પણ કરવામાં આવી હતી.
પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ: જૂના વાડજમાં આવેલા સોરાબજી કંપાઉન્ડ વિસ્તારમાં થોડા સમય પહેલા વિજય નામના એક યુવકને સિંધી વેપારી દીપુભાઈ સાથે કોઈ કારણોસર ઝગડો થયો હતો. જેને લઇ દિપુભાઈ સિંધી એ વાડજ પોલીસ મથકે વિજય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સોરાબજી કમ્પાઉન્ડમાં તમામ વેપારીઓ એક થતાં આ વિસ્તારના વેપારીઓ એ આરોપી વિજય ઉર્ફે ટી ટી એ આગાઉ દીપુભાઇ તથા તેના સિંધી સમાજ વિશે ગાળો બોલતો હોવાથી વાડજ પોલીસ મથકે ફરિયાદ સાથે પહોંચ્યા હતા.
જબરજસ્તી 2000 રૂપિયા ઝુંટવી લીધા: જેનો ખાર રાખીને ગઈ કાલે વિજય ઉર્ફે ટી ટી વહેલી સવારે ત્રિલોક ચંદ માખીજા ની દુકાને આવી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ત્રિલોક ચંદ માખીજાએ ગાળો બોલવાની ના પાડતાં આરોપી વિજય ઉર્ફે ટી ટી એ ફરિયાદી સાથે ઝગડો કરી તેની પાસે રહેલ પાઇપ માથામાં મારવાની કોશિશ કરી હતી. પરંતુ પાઇપ માથામાં વાગવાને બદલે ડાબા હાથ પર વાગતા ફરિયાદીને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. જ્યારે ઝગડા દરમ્યાન આરોપીએ તેની પત્ની મમ્મી અને ભાઈને પણ બોલાવી લેતા આ તમામે ફરિયાદીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરિયાદીના ખિસ્સામાંથી જબરજસ્તી 2000 રૂપિયા ઝુંટવી લીધા હતા.
અસામાજિક તત્વોની દાદાગીરીની: સોનાની ચેન પણ છીનવી લીધી હતી. આ સમગ્ર મારામારીની ઘટના બાદ વાડજ પોલીસ મથકે આરોપી વિજય વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે, અને આવા ગુંડાગીરી કરતા ઈસમ વિરૂધ્ધ કડક પગલાં લઈ સમગ્ર વેપારીઓ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોની દાદાગીરી ની ઘટનાઓ અનેકવાર જોવા મળે છે. આ વિસ્તારમાં માથાભારે તત્વોની દાદાગીરીથી સ્થાનિકો પણ ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે પોલીસ પણ આવા તત્વો સામે લાલ આંખ કરી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.