અમદાવાદ: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે થોડાક દિવસો પહેલા જ બાપુનગરમાં એક મહિલાના ઘરની બહાર બે શખ્સોએ તલવારો વડે હુમલો કરીને આતંક મચાવ્યો હતો. જે બાદ હાલમાં જ બાપુનગર પોલીસની ટીમ ઉપર હુમલાની પણ ઘટના સામે આવી હતી. ફરી એકવાર ગુનેગારો જાણે કે પોલીસને ખુલ્લો ચેલેન્જ આપી રહ્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે.
જૂના ઝઘડાની અદાવત રાખી કર્યો ઝગડો: બાપુનગર વિસ્તારમાં આવેલી મણિલાલ મથુરદાસની ચાલી બહાર 11 મી માર્ચ શનિવારની રાતના સમયે 11:30 વાગે આસપાસ રેહાનાબાનુ ભુરજી નામના 28 વર્ષીય મહિલાના ઘરની બહાર અલ્તાફ શેખ, ફઝલ શેખ, વાહીદ ઉર્ફે ફુલ્લડ અન્સારી, સેફઆલમ અન્સારી, મહેફૂઝ મલેક અને બે અજાણ્યા ઇસમો આવ્યા હતા. આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી ફરિયાદીના ઘર પાસે જઈને જૂના ઝઘડાની અદાવત રાખી તેઓની સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી અને આતંક હોબાળો મચાવ્યો હતો.
પેટ્રોલથી ગાડી સળગાવી દીધી: ફરિયાદી મહિલાએ આરોપીઓને ઝઘડો કરવાની ના પાડતા તે વધુ ઉશ્કેરાયા હતા અને અલ્તાફ તેમજ ફઝલ નામના શખ્સોના હાથમાં તલવાર હોય તેણે ઘરની બહાર પાર્ક કરેલી ફરિયાદીની ટુ-વ્હીલર ગાડીને તલવારના ઘા માર્યા હતા અને વાહીદ તેમજ એફ આલમ તથા મહેફૂઝ મલેકે પોતાના હાથમાં અલગ અલગ લાકડાના ડંડા હોય તેનાથી ફરિયાદીની ગાડીને ફટકા માર્યા હતા. જે બાદ મહેફૂઝ મલેકે ફરિયાદીની ટુ-વ્હીલર ગાડીમાંથી પેટ્રોલ કાઢી ગાડી ઉપર છાંટીને ગાડીને સળગાવી દીધી હતી. આ સમગ્ર મામલે બૂમાબૂમ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.
ઘટના સીસીટીવીમાં કેદ: મહત્વનું છે કે આ સમગ્ર ઘટના અને આરોપીઓ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જેમાં આરોપીઓ દ્વારા જાણે કે પોલીસનો કે કાયદાનો ડર જ ન હોય તે પ્રકારે કૃત્ય કરવામાં આવતું હોવાનું નજરે પડ્યું હતું. આરોપીઓએ સીસીટીવી કેમેરા હોવાનું જાણતા હોવા છતાં પણ બીભત્સ હરકતો કરી હતી. તેવામાં આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને જાણ થતા બાપુનગર પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને તરત જ આ ગુનામાં સામેલ ચાર શખ્સોની અટકાયત કરી હતી.
આરોપીઓની વધુ પૂછપરછ: જાહેર રોડ ઉપર પોલીસને ખુલ્લો પડકાર આપનાર અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસે પકડાયેલા ચાર આરોપીઓની વધુ પૂછપરછ કરી અન્ય આરોપીઓને પકડવા માટે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે અને આ મામલે રાયોટીંગ સહિતની કલમો હેઠળ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તપાસમાં થશે ખુલાસા: આ સમગ્ર મામલે પોલીસ જ્યારે આરોપીઓને પકડવા ગઈ ત્યારે પોલીસ સાથે પણ આરોપીઓએ ઘર્ષણ કર્યું હોય અને પોલીસની ગાડી ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારની ચર્ચા સ્થાનિક લોકોમાં જોવા મળી રહી છે. જોકે આ સમગ્ર મામલે પોલીસે આ પ્રકારના આક્ષેપને નકાર્યા છે. તેવામાં પકડાયેલા આરોપીઓની તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.
ચાર આરોપીઓની ધરપકડ: આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનના PI એસ.એન પટેલે ETV ભારત સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે પોલીસે તરત જ ઘટના સ્થળે પહોંચીને ગુનામાં સામેલ ચાર યુવકોને પકડી પાડ્યા છે. આ ઘટનાને લઈને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.